પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૪૩
 

રમતિયાળ ગણાવા મથતા પુરુષ શિક્ષકો પ્રત્યે તે વધારે ઉદાર બની હતી.

તેના તરફ નિહાળતા કૈંક પુરુષોને માફ કરતી શોભના શાળામાંથી ઘેર આવી. ઘર આગળ વિની અને તારિકા બંને શોભનાની રાહ જોતાં બેઠાં હતા.

‘બહુ દિવસે દેખાયાં !' શોભનાએ કહ્યું.

‘શું દેખાય, કપાળ ?' તારિકા જરા ઉગ્ર બની બોલી.

'કેમ ? શું થયું ?' શોભનાએ પૂછયું.

‘આ તારી રંભાએ ભણતરને લજવ્યું.' વિની બોલી. વિનીના મુખ ઉપર ઉગ્રતા હતી. તારિકા અને વિની બંનેનાં મુખ સોહામણાં હતાં. ઉગ્રતાએ એ સોહામણાં મુખ ઉપર એક પ્રકારનો કદરૂપો ઓઢો ઓરાઢી દીધો. રૂપને બગાડનાર, સૌંદર્યને વિકૃત કરનાર, સંવાદને બેસૂર બનાવનાર ભાવ કદી પવિત્ર હોઈ શકે ખરો ? મુખ ઉપર રાક્ષસી રેખાઓ ઉપવાસતી ઉગ્રતા પણ ભણતરને લજાવતી જ હોય છે ને ?

‘કેમ ? રંભા ઉપર આટલો બધો કોપ ?’ શોભનાએ વિચારને અંતે પૂછ્યું.

'તને ખબર પડશે તો તું અમારા કરતાં વધારે કોપ કરીશ', વિનીએ કહ્યું.

‘પણ શું છે ? રંભાનો કયો દોષ થયો તે તો કહે ?'

'ભાસ્કર સાથે એણે લગ્ન કરી નાખ્યાં !' તારિકાએ કહ્યું.

‘સારું કર્યું.’

‘શું ધૂળ સારું કર્યું ! આખી સ્ત્રી જાતને એણે નીચું જોવરાવ્યું.’

‘લગ્ન તો આ વિનીને પણ ગમે છે. તનેય લગ્ન કરવાની ઈચ્છા રોજ થઈ આવે છે. પછી તમે બન્ને રંભાને શાનો દોષ આપો છો ?’

‘પણ કેવું લગ્ન ?’

‘લગ્નમાં કેવું શું ? એક પુરુષ અને એક સ્ત્રી પરસ્પરના જીવનને બાંધી છૂંદવા સંમત થાય એ લગ્ન !’ શોભનાએ હસીને કહ્યું.

‘તારી વાત વળી બધા કરતાં ન્યારી ! તારે તો લગ્ન જ ન જોઈએ. કબૂલ. પણ લગ્ન કરવું તો પછી એક પત્ની ઉપર બીજી પત્ની બનવું એ શું શરમભરેલું નથી ?' તરિકાએ કહ્યું.

‘પહેલી પત્નીની દશા શી ?' વિનીને લાગણી થઈ આવી.

‘પણ બન્નેને પરણનાર પુરુષની દશા શી તેનો તો વિચાર કર. દયા કોની ખાવી ? ભાસ્કરની ? એની પ્રથમ પત્નીની કે એની બીજી પત્નીની ?’