પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૪૫
 

રંભા યુવતીવૃંદનું માત્ર એક પ્રતીક જ હતી. રંભા નહિ તો વિની કે તારિકા કે શોભના પણ એમ જ ન કરતા એમ શા ઉપરથી કહેવાય ? શોભનાને પોતાને કૈંક વખત એવા વિચારો આવ્યા હતા કે જે આચારમાં મુકાયા હોત તો રંભાની સ્થિતિ સ્વીકારવા તે કદાચ તૈયાર થઈ હોત. શોભનાના લગ્નનો અકસ્માત તેના મનમાં ખટકી ગયો ન હોત, પરાશરના આદર્શો તરફ તેનું ધ્યાન ગયું ન હોત તો. ભાસ્કરના કદી કદી ગમતા સ્પર્શે શોભનાનું આખું જીવન ભાસ્કરમય કેમ ન બનાવ્યું હોત ! ભાસ્કરના પ્રેમને, ભાસ્કરની લગ્નમાગણીને તે ન સ્વીકારી શકી. એમાં તેના ઉચ્ચ ચારિત્ર્ય કરતાં અકસ્માત જ કારણરૂપ ગણાય. રંભાને એ કયી રીતે તિરસ્કારે ? ભાસ્કર નહિ તો પરાશર, સુબન્ધુ કે કુમાર પણ ભાસ્કરના જેવું જ વર્તન ન કરતા એમ માનવાને શો આધાર ? ભાસ્કરને ગમતી પત્ની ન મળી. પરાશરને પણ અમુક અંશે શોભના ન ફાવી. એણે શોભનાને ત્યજી દીધી. શોભનાએ પરાશરને એક આદર્શવાદી તરીકે નિહાળ્યો ન હોત તો શોભના એના માર્ગમાંથી ખસી જાત. અને શોભના કરતાં વધારે આકર્ષક, શોભના કરતાં વધારે આદરપૂરક અને પરાશરને જીવનમાં - ગરીબ જીવનમાં શોભના કરતાં વધારે ઉલ્લાસપ્રેરક યુવતી પરાશરને જડી હોત. તો શોભના સાથેના લગ્નને અવગણીને પણ તે એ યુવતી સાથે પરણી કેમ ન ગયો હોત ? અકસ્માતે જ એ પરિસ્થિતિ ટાળી. પરાશર આદર્શધૂનમાં ઊતર્યો, શોભના પરાશરની ધૂન તરફ આકર્ષાઈ, પરાશરને શોભના કરતાં વધારે આકર્ષક સ્ત્રી ન મળી. એ અકસ્માતને પોતાના ચારિત્ર્ય તરીકે માની - મનાવી ઉચ્ચ આાસને બેસવાની ઈચ્છામાં શોભનાને અન્યાય લાગ્યો. ભાસ્કરની કે રંભાની ભૂલ કાઢનાર અને દૂષિત ઠરાવનાર અને એના તિરસ્કારનો જાહેર ઠરાવ કરનાર શોભના કોણ ? અકસ્માતથી જ સ્વીકૃત રૂઢિને અનુકૂળ બનેલી એક સામાન્ય સ્ત્રી ?

અને દોષ, ભૂલ કે પાપનો તિરસ્કાર એ તેનો પ્રતિકાર હોઈ શકે ? પરાશરે આવી પોતાના પતિત્વને શોભનાના હૃદય આડે ધર્યું હોત તો શોભના પરાશરને ક્ષણભર પણ પોતાની સામે બેસવા દેત ખરી ? પરાશરે પોતાના હક્ક શોભના ઉપર ફેંક્યા હોત તો તે લગ્નવિચ્છેદની તત્કાળ જાહેરાત કર્યા વગર રહી હોત. ખરી ? - પછી તે વિચ્છેદ કાયદેસર હોત કે ન પણ હોત. દોષનું દમન કરવું; ભૂલને ભાંડવી; પાપને પથરા મારવા : એ તો માનવી કરતો જ આવ્યો છે. એથી દોષ ભૂલ કે પાપ કેટલાં ઘટ્યાં ?

શોભનાએ પોતાની બંને બહેનપણીઓને ખૂબ બેસાડી. રંભાની વાત ભુલાઈ જાય એટલી બીજી વાતો કરી. રાત્રે ત્રણે સાથે જમવા પણ