પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮: શોભના
 

આગળ અટકી ગયેલો સામ્યપ્રયોગ કે પ્રયોગપડછાયો, મધ્ય યુરોપમાં મહાબળ ધારણ કરી રહેલો રાજસત્તાવાદ અને સ્પેનના યુદ્ધની નિષ્ફળતા તેને તિરસ્કાર, વિગ્રહ અને કહેવાતી ક્રાંતિ પ્રત્યે ક્ષણભર અવિશ્વાસ ઉપજાવી રહ્યા.

એ પરાજિત માનસનું પરિણામ પણ હોય. સામ્યવાદી જ્યોતિષે એવા પરાજિત માનસની આગાહી પણ કરી રાખેલી છે. અસહ્ય નિષ્ફળતાના વાતાવરણમાં કૈંક વિચારકો, લેખકો અને ક્રાંતિવાદીઓએ આપઘાત કર્યાં છે. શોભનાએ આપેલા છ માસમાં પરાશર પણ જાણે પ્રેમ-શાંતિનું વ્રત લઈ બેઠો હતો. સૌંદર્ય અને સંવાદના ભર્યાભર્યા ભંડારમાં માનવીની વૈરભાવના તો ઝેર નહિ રેડતી હોય એમ તેને લાગ્યું. ઘરનું ઝેર - વ્યક્તિગત ઝેર ફેલાતું ફેલાતું આખા જગતને આવરી રહેલું હતું. ધર્મ, પ્રેમ અને ઔદાય જેવી ભાવનાઓ પણ વિકૃત બની ગઈ હતી. સત્તા અને તેની બીજી બાજુ મિલકત, એ બંનેને ઉથલાવી પાડવાં જોઈએ. એમાં શક નહિ, પરંતુ એ ઉથલાવવાની ક્રિયામાં રહેલું વેરઝેર જીવતું જાગતું રહી નવી દુનિયામાં વધારે ઝેરી સત્તાની આકૃતિઓ ઊભી તો નહિ કરે ? નાઝીવાદ, ફાસીવાદ એ બધાં વ્યક્તિગત વૈર-અણુના મહાકાય સ્વરૂપ તો નહિ હોય ? પત્નીને ડારતો પતિ, બાળકને વઢતો શિક્ષક, કારકુનને ધમકાવતો અધિકારી, દીકરીને ચૂંટી ભરતી મા એ બધાં નાનકડાં નિર્દોષ લાગતાં સત્તા અને મિલકતનાં ચિહ્નોનું વૃદ્ધીકરણ થઈ તેમાંથી જ રાજકીય યુદ્ધ ધૂરકતી રાષ્ટ્રીયતા, પરસ્પરને પીંખી નાખતા ધર્મો અને વિરોધીઓને જડમૂળથી ઉખેડી નાખવા મથતા સામ્યવાદ અને નાઝીવાદનાં ભીષણભૂત તો નહિ ઊભાં થઈ જતાં હોય ?

‘કોણ જાણે ! છ મહિના વિચારમંથન કરી ફરી નવો અગર જૂનો માર્ગ લેઈ શકાશે એમ ધારી પરાશરે મજદૂરોને ઉગ્ર માર્ગે ન વાળતાં સુધારક માર્ગે વાળવા પ્રયત્ન કર્યો - જે સુધારક માર્ગને તે આજ સુધી વખોડી રહ્યો હતો. તેનાં લખાણોમાં પણ ‘મૂડીવાદ મુર્દાબાદ'ની હાકલને બદલે ‘સ્વચ્છ બનો !’ ‘ભણો !’ ‘દારૂ ન પીશો !’ ‘પૈસા બચાવો !’ વગેરે સંબોધનો દાખલ થઈ ગયાં હતાં. એનો મજદૂરો સાથેનો સંસર્ગ ચાલુ થઈ ગયો હતો, જોકે સોમો તેને વારંવાર કહ્યા કરતો હતો :

‘ભાઈ ! અમે અભણ જાત. અમારો બહુ વિશ્વાસ ન કરશો.'

‘તારો પણ નહિ ?' પરાશર હસીને પૂછતો.

'ના.'

‘ત્યારે જીવીને પણ શું કરવું છે ?’