પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦: શોભના
 

રહેશો. એ તો મોતના ખેલ છે !’

‘મોત અમારાં થાય છે અને ફૂલહાર તમે લો છો. જરા આવો, અમારા ભેગા રહો, અમારી જોડે મજૂરી કરી, પછી ભાષણ આપો. કોઈએ મોટેથી દલીલ કરી.

‘ચૂપ’, ‘બેસી જાઓ’, ‘બહાર જા’, ‘તું કોણ કહેનારો ?’, ‘કાઢો એ ભાષણિયાને’, ‘સારા માણસનું અપમાન ?’ વગેરે સંબોધનો અને બોલાબોલી સહ સભાસદો ઊભા થઈ ગયા અને હિંદના ટોળામાં હિંદી અવ્યવસ્થા વ્યાપી ગઈ. થોડા માણસો ભાષણકર્તા તરફ ધસી આવ્યા. પરાશર ગૌરધીરની આગળ ઊભો રહ્યો. સોમો પરાશરની છાયારૂપ બની ગયો. પરાશરે ધક્કામુક્કીમાં પોતાની નજીક આવતાં કહ્યું :

‘સોમા ! આમને સલામત બહાર કાઢી લઈએ.’

‘હા, ચાલો.’ કહી બંનેએ ટોળાને ભેદવા માંડ્યું. એકાએક કોઈ માણસની બૂમ સંભળાઈ :

‘ક્યાં છે પરાશર ?’ પરાશર જરા થોભ્યો. તેના નામોચ્ચારે તેને અટકાવ્યો, અને એ સોમાથી દૂર પડી ગયો.

‘કેમ ભાઈ ! શું છે?' પરાશરે ઘેલા જેવા લાગતા એક મજબૂત પણ વૃદ્ધ મજદૂરને ધસી આવતો જોઈ પૂછ્યું.

‘શું છે ? મારા દીકરાને પાછો આપ.’

‘તારી દીકરો ? એ કોણ ?'

‘તારી ઉશ્કેરણીએ જે સરઘસમાં ચઢ્યો, અને મરી ગયો તે. અમને નિરાધાર બનાવી દીધાં. તું શાનો ઓળખે ?’

પરાશરને લાગ્યું કે તે પોતે ગુનેગાર હતો. તે જાતે મરી શક્યો હોત તો આવો આરોપ તેને માથે ન આવત.

‘બોલ, શું કહે છે ?’ વૃદ્વે કહ્યું.

‘કાંઈ નહિ. કહે તો હું તારો દીકરો બની તારી કાળજી કરું.’

‘મારો દીકરો ? એ તો ગયો, અને તુંયે એની પાછળ જા.' કહી વૃદ્ધ છરો કાઢી પરાશરના પાસામાં ખોસી દીધો. પરાશરે તેનો હાથ પણ ઝાલ્યો નહિ. સોમો છલંગ મારી આવી પહોંચ્યો. તે પહેલાં તો છરો પરાશરના દેહમાં ચાલ્યો ગયો હતો. ટોળું સ્તબ્ધ બની ગયું. વૃદ્ધે ભયંકર હાસ્ય કર્યું અને ત્યાંથી તે નાસવા માંડ્યો. સોમાએ તેને ગરદનથી પકડ્યો, અને તેને ભોંય ભેગો કરવા તત્પર થયો.