પૃષ્ઠ:Shobhana.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૫૫
 

લાગી. ડૉક્ટરે યુવકનો કર્કશ સૂર બંધ કરાવ્યો.

પરાશરની નાડીના ધબકારામાં અનિયમિતપણું લાગવા માંડ્યું. સહુના ધબકારા વધી ગયા. ઓરડીમાં અને ઓરડીની બહાર ભેગાં થયેલાં મજૂર ટોળાંના વધેલા ધબકારા પરાશરને ભેટ મળે તો પરાશર સો વર્ષ જીવી શકે, પરંતુ માનવી ક્યાં બીજાને જિવાડવા માટે જીવે છે ?'

"પરાશર ! પરાશર !'

પરાશરે એક ચીસ જીવનને પેલે પારથી આવતી સાંભળી. ચીસ જાણીતી હતી ? કોની હશે ? યમદૂત સાથે બાથે પડી પતિને નવજીવન અપાવતી સાવિત્રીની આ ચીસ તો નહિ હોય ? શા માટે આ જગત જીવનને શાંતિથી હોલવાઈ જવા નહિ દેતું હોય ? દેહ સાથે પરાશરને પાછો જડી દેતી. આ ચીસ ઓળખ્યા વગર નહિ ચાલે ?

પરાશરે આાંખ ઉઘાડી.

શું શોભના તેની પાસે બેઠી હતી ? શા માટે ?

'પરાશર !’ શોભના અત્યંત ધીમેથી બોલી કે મોટી ચીસ સાથે બોલી ?

‘છ....માસ... થયા ?' પરાશર શોભના જ સાંભળી શકે એવે સાદે બોલ્યો.

‘હા... મહાકાળના ઓળા પડતા હોય ત્યાં દિવસ, માસ કે વર્ષની શી ગણતરી ?’ શોભનાએ જુઠ્ઠી હા પાડી.

શોભના રડતી હતી ? શા માટે તે તેને અડકીને બેઠી હતી ? શા માટે પરાશરના કપાળ ઉપરથી વાળ ખસેડતી હતી ?

' હું... જાઉં...છું...તું...છુટ્ટી...'

‘ક્યાં જવું છે ?’ સહજ ઉગ્રતાથી શોભનાએ પૂછ્યું.

‘એનો કોણ જવાબ આપી શકે ? પરાશર પણ નહિ. મૃત્યુ એ ઈશ્વર જેટલો સ્પષ્ટ ભાવ છે. પરાશરે છત તરફ આંખ ફેરવી પોતાનો ભાવ વ્યક્ત કર્યો.

‘પણ હું જવા દઈશ તો ને ? હવે તારી પાસે જ રહેવા હું આવી છું. ત્રીસમા આપણે બે રહીએ એવો માર્ગ મને જડ્યો છે.'

‘ન... ફાવે...’

'તોય હું રહીશ. મને છોડીશ... તો... તો...હું મરી જઈશ.’

શોભનાએ શું પરાશરના કપોલ ઉપર કપોલ ટેકવ્યા હતા ? પરાશરના ગાલમાં ક્યાંથી જાગૃતિ આવી ? ઉષ્ણ ટપકાં ક્યાંથી પડતાં હતાં ?