પૃષ્ઠ:Shobhana.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦: શોભના
 

પડતી મૂકી હતી. પિતાએ હસીને પુત્રીની આ ઘેલછા ચલાવી લીધી હતી. અને પુત્રીએ આ માનસિક છેતરપિંડીમાં પિતાની ઉદારતા અને પોતાની સહિષ્ણુતાને જ કારણભૂત માન્યાં હતાં.

શોભનાને બુદ્ધિમાં પુરુષો કરતાં આગળ વધતું હતું. તેનો અભ્યાસ એ જ ઉદેશથી બહુ વ્યવસ્થિત અને કાળજીભર્યો થતો હતો. તેને ખાતરી હતી કે તે પરીક્ષામાં ઘણો ઊંચો ક્રમ લાવી શકશે. કૉલેજની બધી જ પરીક્ષાઓમાં તેણે પોતાની ઉચ્ચ બુદ્ધિની પ્રતીતિ કરાવી હતી. એને સ્વાભાવિક રીતે જ એ સંબંધી ગર્વ રહેતો. સ્ત્રીજાતિના પ્રતિનિધિ તરીકે તેના મનમાં પુરુષજાતિ વિરુદ્ધ ઊંડો ડંખ રહ્યા કરતો હતો. સ્ત્રીઓને સર્વદા પરતંત્ર રાખવાની જ પુરુષવર્ગની કોશિશ હોય છે એમ તે માનતી. સ્ત્રીને પુત્રી તરીકે, પત્ની તરીકે કે માતા તરીકે પરાધીનતામાં જ પૂરવાની યુક્તિ સમાજે - પુરુષ પ્રેરિત સમાજે - કરી રાખી છે એમ તે જોઈ શકતી. ઘણી વખત આ વિચારે તે પ્રજળી ઊઠતી અને સમાજ વિરુદ્ધ અનેક બંડ ઉઠાવવાની તે યોજનાઓ પણ ઘડતી. પરંતુ તેના મનમાં એક નિશ્વય તેણે કર્યો હતો. જ્યાં સુધી પુરુષવર્ગની સફળ હરીફાઈ બુદ્ધિજીવનમાં તે ન કરે ત્યાં સુધી તેના કાર્યમાં, તેની યોજનાઓમાં તેના બંડમાં બળ આવશે નહિ. એટલે પોતાના વિચારો પોતાની સહિયરો આગળ રજૂ કરવા છતાં અભ્યાસને જ તે વધારે પકડી રાખતી હતી અને જોકે યુવતીઓની વસ્ત્ર કે વર્તન-નવીનતામાં સ્ત્રીઓના આત્મસ્ફોટનનો અધિકાર તે સ્વીકારતી. અને એ નવીનતામાં ભળતી. છતાં એ નવીનતાને જ વળગી રહેવાના કાર્યને સઘળો સમય આપતી નહિ. બોંબ્ડ હેરવાળી વિનીના કેશ સ્વાતંત્ર્યને શોભના આવકારતી હતી, છતાં તેવા વાળ ગોઠવવાનો તેણે હજુ સુધી સમય મેળવ્યો ન હતો. બુદ્ધિમાં પોતે પુરુષની બરાબરી કરી શકે છે એ સાબિત કરવાનો જ તેને સતત ઉત્સાહ રહેતો. એટલે તે મોડી રાત સુધી અભ્યાસ કરતી અને દિવસે પણ કૉલેજની સઘળી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી.

તેના મનમાં પુરુષો પ્રત્યે એક જાતનો વિરોધ વસી રહ્યો હતો. સ્ત્રીઓની પરતંત્રતાના પ્રશ્રે તેને ધીમે ધીમે સમાજવાદના અભ્યાસ તરફ દોરી, અને તેમાંથી કાર્લ માર્ક્સના સામ્યવાદમાં એક જ પગલે આવી જવાય એમ હતું. ગરીબ અને ધનિકના જગતવ્યાપી વર્ગો વચ્ચે સમાજની શરૂઆતથી જ ચાલતા છૂપા અગર ચાસન વિગ્રહને ઉગ્ર બનાવવામાં માનવજાતનો ઉદ્ધાર છે એમ માનતી - મનાવતી શોભનાને સદાય એક ભય