પૃષ્ઠ:Shobhana.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪: શોભના
 


અને એ પુરુષ પણ કેવો ! ઘડીમાં કદરૂપો લાગે, ઘડીમાં રૂપાળો લાગે ! એ કોણ ? ભાસ્કર ? ભાસ્કર તો ખાદી પહેરતો જ નથી ! ત્યારે ?

શોભનાનું હૃદય પાછું ધડકવા લાગ્યું. તે બેઠી થઈ અને પથારીમાંથી બહાર આવી અને તેની વિકળતા ઓસરી ગઈ.

'જે હશે તે ! સ્વપ્નાં તો કૈંક આવે, એને કોણ સંભારી રાખે ? શું કરવાને ?'

દીવો સળગાવતાં શોભના બબડી, સાડા છ વાગ્યા હતા; બહાર અજવાળું પથરાયે જતું હતું. શોભના બરાબર સમયે જ ઊઠી હતી. પક્ષીઓનો ચીંચીંકાર પણ સંભળાયો. દીવાએ તેને પાછાં ચિત્રો દેખાડ્યાં. મધરાતે જોયેલાં ચિત્રો જે અસર ઉપજાવે તે પ્રભાતે જોયેલાં ચિત્રો ન ઉપજાવે - ચિત્રો તેનાં તે હોય તોપણ. દૂરથી રેડિયોમાં ગીત પણ શરૂ થઇ ગયાં હતાં. શોભનાને ગીત ગમતાં, સારું સંગીત ગમતું પરંતુ તેને સંગીતનું જ્ઞાન ન હતું. તે ક્વચિત્ ગાતી ખરી, પરંતુ તે એકલી હોય ત્યારે. એની માતા એને ગાતાં સાંભળી જાય ત્યારે માતા હસતી.

'તું બધું શીખી પણ તને ગાતાં ન આવડ્યું.' જયાગૌરી કહેતાં.

'એ રાગડા કોણ તાણે ?' શોભના જવાબ આપતી.

'ગીતને તું રાગડા કહે છે ? તને તો સિતારેય નથી આવડતો.' જયાગૌરી કહેતાં અને દયારામ કે ન્હાનાલાલની એકાદ ગરબી ગઈ નાખતાં. તેમનું ગાવું મધુર હતું એમ શોભનાને લાગતું. પરંતુ ગાતાં ગાતાં જયાગૌરી થાકી જતાં એ પણ તે જોઈ શકતી હતી. મા જેવું ગળું તેનું ન હતું.

રેડિયો ઉપર એક રેકર્ડ સંભળાઈ.

'જો મૈં એસા જાનતી પ્રીત કીયે દુ:ખ હોય,
નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કરીઓ કોય !'

જૂની ઉમદા ચીજોમાંની કેટલીકને સિનેમા રેડિયો સજીવન કરે છે. શોભનાને ખબર ન હતી કે પ્રીત વિરુદ્ધનો પોકાર બહુ જૂનો હતો. તેને સ્ત્રીપુરુષના સંબંધની માંદી ભાવના એમાં દેખાઈ. કોઈ પણ નિષ્ફળતાસૂચક બોલ એ અશક્તિનું પ્રતિબિંબ છે. તે હસી અને ગીતને તથા સ્વપ્નને હડસેલી તે નિત્ય કામમાં પરોવાઈ.

માતાની નિત્ય માંદગી અને પિતાની અર્ધ માંદગી શોભનાને ઘરકામમાં પણ ઠીક ઘડી રહી હતી. નાનકડા ઘરને વાળીઝૂડી સાફ કરવામાં તેને નાનમ લાગતી નહિ. અલબત્ત કોઈના દેખતાં સાવરણી