પૃષ્ઠ:Shobhana.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦: શોભના
 

વાતચીત જ હોવા છતાં ધનિકતા જ્યારે યુવતીને આકર્ષે છે ત્યારે ધનની વિસ્મયભરી મોહકતા માટે માન ઊપજ્યા વગર કેમ રહે? હસવા છતાં સહુને એક વિચાર તો જરૂર આવ્યો :

'આટલી સગવડ હોય તો કેટલું વધારે કામ થાય ?'

પગે જવા-આવવાનું મટી જાય એટલે થાક ન લાગે. સમય ઘણો બચી જાય એટલે વંચાય વધારે અને ઘરકામ થાય. કલાના વિષયો તરફ વધારે ધ્યાન અપાય અને સેવાકાર્ય વધારે સારું થઈ શકે, નહિ ?

સેવા ! દુઃખી જગતને આપણી સેવાની કેટલી બધી જરૂર છે ! અને મોટરકારની ઝડપે આપણી સેવા બધે ફરી વળે તો જગત પણ કેટલું ઝડપથી સુખી થાય ?

ભાસ્કરની મોટરકાર સહજ ઝડપથી ચારે વિદ્યાર્થિનીઓની પાસે થઈ ચાલી ગઈ. ભાસ્કરે કોઈનીયે તરફ જોયું ન હતું.

'જોયું ને ? જાણે ઓળખતો જ નથી.' રંભાએ કહ્યું.

'એક દિવસ ગાડીમાં બેસાડ્યાં એટલે જાણે હક્ક થઈ ગયો !' શોભનાએ કહ્યું.

'એ તો શોભનાના વ્યાખ્યાનનું ઈનામ હતું.' તારિકાએ કહ્યું.

'તું નૃત્ય કરીશ તો તને ઈનામ મળશે !' વિનીએ કહ્યું.

તારિકાએ ખભો ઊંચક્યો. તારિકાને નૃત્યનો ઘણો શોખ હતો. તેના દેહનું સ્થુળતા તરફ વધતું જતું વલણ નૃત્યથી અટકી જશે એમ માની તે નૃત્ય દ્વારા દેહને કેળવતી હતી. દેહને તો નૃત્ય દ્વારા લાભ મળતો જ હતો; પરંતુ તારિકાની આસપાસના જગતને પણ એ નૃત્યનો લાભ મળતો હતો.

યૌવનમાં સહુનાં હૃદય નાચે છે, દેહ પણ નાચવા તલપી રહે છે.

'મને નૃત્ય આવડે તો ?' ઘરમાં પ્રવેશ કરતાં જ શોભનાના હૃદયમાં વિચાર સ્ફુર્યો.

કાર હોય તો સમય બચે અને એ બચેલા સમયમાં નૃત્ય શીખી શકાય.'

શોભનાની જ ઉંમરની એક યુવતી તે ક્ષણે જ ઘરમાં આવી.

'કેટલી મોડી આવે છે તું ? જયાગૌરીએ તે યુવતીને કહ્યું. મેલાં વસ્ત્રોમાં પણ સ્વચ્છ દેખાવા મથતી એ યુવતીના મુખ પર વિષાદ હતો.

'જરા મોડું થઈ ગયું બા !' યુવતીએ સહજ નરમાશથી કહ્યું, અને