પૃષ્ઠ:Shobhana.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪: શોભના
 

મેળવી ન હતી. હવે તેને બોલાવવો ન જોઈએ ? એણે એક વખત મોટરકારમાં તેને બેસાડી એટલામાં શોભનાએ કેટકેટલા અર્થ એમાં વાંચ્યા! ભાસ્કરને તે અન્યાય કરતી હતી. ભાસ્કર આવ્યા વગર નહિ જ રહે એમ પણ તેના મનમાં લાગ્યા કરતું હતું.

રાત પડવા આવી અને શોભના એકલી પડી. પુસ્તકો તરફ નેણ આછા તિરસ્કારભરી નજર નાંખી, છતાં એ દૃષ્ટિમાં તેને ભાસ્કર સાથેના વર્તનનું સામ્ય દેખાયું. જે પુસ્તકોએ તેને સંસ્કાર આપ્યા, તેની બુદ્ધિ વિકસાવી, તેના હૃદયમાં અકથ્ય ઊર્મિઓ ઉપજાવી, એ પુસ્તકો પ્રત્યે આવી દૃષ્ટિ નાખવી એમાં તેને કૃતઘ્નતા લાગી.

'બા ! હવે બહેનનાં લગનબગન કરવાનાં કે નહિ !' ચંચળનો પ્રશ્ર શોભનાના વિચારને અટકાવી રહ્યો,

'તારે નોકરમાણસને એ વાત કેવી કરવાની ? જયાગૌરી બોલ્યાં. નોકરો - હિંદના નોકરો - પોતાની ફરજના વર્તુલ બહાર ચાલ્યા જાય છે એ દુઃખદ સત્ય કનકપ્રસાદ અને જયાગૌરી બન્ને સમજતાં હતાં. લગ્નની વાતથી જરાય બહાર ન જઈ શકતી સ્ત્રીના પ્રશ્રે શોભનાના મુખ ઉપર એક હાસ્ય પ્રેર્યું પરંતુ એ હાસ્ય પાછું ફર્યું અને તેને સ્થાને કોઈ ગંભીર ભાવ શોભનાના મુખ ઉપર ફરી વળ્યો.

બહાર મોટરકારનું ભૂંગળું વાગ્યું. શોભનાએ તેને ઓળખ્યું તેનું હૃદય સહજ ધબકી ઊઠ્યું. ભાસ્કરની ગાડી આવ્યાથી આમ હૃદય ધબકી ઊઠે એ તેને ઠીક ન લાગ્યું, તે પોતાની ઓરડીમાંથી બહાર આવી. શૉફરે આવી એક નાનકડું કાર્ડ શોભનાને આપ્યું. ભાસ્કરના છાપેલા નામ પર 'અભિનંદન' એટલા જ હાથે લખેલા અક્ષરો હતા.

'ભાસ્કર ક્યાં છે ?' શોભનાએ પૂછ્યું.

'નીચે, ગાડીમાં.' શૉફરે જવાબ આપ્યો.

'અહીં નહિ આવે ?'

'મને કંઈ કહ્યું નથી.'

'કહો કે શોભના બોલાવે છે.'

મા થાકીને અંદર સૂઈ ગયાં હતાં. પિતા વગર બોલ્યે વાંચતા હતાં; તેમણે પત્રની બહાર નજર કરી, શૉફર ગયો. કનકપ્રસાદે પૂછ્યું : 'કોણ આવ્યું છે ?'

'ભાસ્કર.'

'હા હા, બોલાવો: મોટા માણસનો દીકરો છે. આપણે ત્યાં ક્યાંથી ?'