પૃષ્ઠ:Shobhana.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૩૫
 


'આપણે ક્યાં મોટા માણસનો ખપ છે ? આ તો અભિનંદન આપવા આવે છે. ઘડી વાર બેસાડી વિદાય આપીશું.'

'આ છોકરાઓ આવે છે તે તારી બાને નથી ગમતું.'

'મનેય ગમતું નથી'

'એમ કાંઈ નથી; શિક્ષણમાં એ તો જરૂર બનવાનું જ.' કનકપ્રસાદે કેળવણીકાર તરીકે સિદ્ધાંત કહ્યો. અને ભાસ્કરે ઓરડામાં પ્રવેશ કર્યો, તેણે કનકપ્રસાદને નમસ્કાર કર્યાં. કનકપ્રસાદે અત્યંત વિવેક અને નમ્રતા દર્શાવી ભાસ્કરને સામે બેસાડ્યો. શોભનાને અને કનકપ્રસાદને એમ બન્નેને ભાસ્કરે મુબારકબાદી આપી. શોભનાને ભાસ્કરનાં વખાણ ગમ્યાં. ભાસ્કરને ખોટું લાગે એમ ન બની જાય એ અર્થે તેણે પોતાના મુખને પ્રસન્નતાવાળું રાખ્યું.

પણ જ્યારે ભાસ્કરે કહ્યું કે 'હું તો શોભનાને ગરબામાં લેઈ જવા આવ્યો છું.' ત્યારે શોભનાને પોતાને પણ જરા ક્ષોભ થયો.

'અત્યારે તો એ થાકી હશે.' કનકપ્રસાદે કહ્યું.

'ગરબામાં થાક ઊતરી જશે.' ભાસ્કરે કહ્યું.

'ફરી કોઈ દિવસ આવશે.'

'શોભનાને લૂખી મુબારકબાદી આપવી એ મને ગમ્યું નહિ. વળી આજે મારો જન્મદિવસ છે, આપ આવો તો વધારે આનંદ થાય.'

'શોભનાને ભાસ્કરની સૂચના ગમી કે નહિ, થાક લાગ્યા છતાં ગરબામાં જવું ન ગમે એવું વાર્ધક્ય શોભનામાં ન જ હોય.'

'એમ હોય તો ભલે, તું જઈ આવ.' કનકપ્રસાદે રજા આપી. તેમની માનસઉદારતા હતી.

'બાને પૂછવું પડશે અને એ તો જરા સૂઈ રહી છે.' શોભનાએ કહ્યું.

'એ તો હું કહી દઈશ.'

'નહિ નહિ, આપ સહુ પધારો. હું તમને લઈ ગયા વગર નહિ રહું.' ભાસ્કરે આગ્રહ કર્યો.

'જો કહી જો; પણ એ છોકરાંમાં અમે ક્યાં આવીએ ?'

'વડીલોને પણ ત્યાં નોતર્યા છે.'

'જા તો તૈયાર થા અને તારી મધરને પૂછી જો.'

સખીઓની સાથે શોભના કૈંક વખત ગરબામાં જતી ત્યાં વિદ્યાર્થી- ઓળખીતાઓ પણ મળતા પરંતુ આજે એક યુવકના આમંત્રણથી ગરબામાં જવાનો વિચાર કરતાં તેને અજબ અનુભવ થયો. તેણે ઝડપથી