પૃષ્ઠ:Shobhana.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬: શોભના
 

કપડાં બદલ્યાં. આયનામાં દેખાતું પોતાનું મુખ ચિત્રનાયિકા કરતાં અને ગરબામાં હાજર થનાર કોઈ પણ યુવતી કરતાં ઓછું સુંદર નહિ લાગે એવી તેણે ખાતરી કરી લીધી, અને માતાને હળવે રહીને તેણે જગાડી.

'કેમ, શું થયું બહેન?' માતાએ જાગ્રત થતાં પૂછ્યું.

'ગરબામાં આવવું છે.'

'કોને ત્યાં?'

'પેલા ભાસ્કર છે ને, એમને ત્યાં.'

'આપણે ન ઓળખીએ, ન પાળખીએ, પછી…'

'એ જાતે જ તેડવા આવેલ છે.'

'મને તો કંઈ મન નથી; પણ તને એકલીને અજાણી જગાએ ન જવા દેવાય. ચાલ, હું આવું છું.' કહી જયાગૌરીએ નિદ્રાને હડસેલી, અને નવી ઢબનાં વસ્ત્રો પહેરતી ટાપટીપમાં વખત ગુમાવતી આજકાલની છોકરીઓ કરતાં તેમના યુગમાં વધારે સાદાઈ અને સરળતા હતી એવી દૃઢ બની ગયેલી ભ્રમણાને વ્યક્ત કરતાં, દીકરીથીયે વધારે સમય વિતાવી તેમણે કહેવાતાં જૂની ઢબનાં કપડાં પહેર્યા - જે જૂની ઢબનાં વસ્ત્રો જયાગૌરીની માતા અને સાસુ બન્નેનો ભારે તિરસ્કાર પામી ચૂક્યાં હતાં.

'હું તો કાંઈ આવતો નથી.' કનકપ્રસાદે કપડાં પહેરી તૈયાર થયેલાં માદીકરીને કહ્યું.

'ગરબામાં પુરુષોનો ખપ પણ શો છે ? અને તમારી તબિયતે સારી નથી. હું જાઉં છુ એટલે ભાસ્કરભાઈને ખોટું પણ નહિ લાગે.' જયાગૌરી બોલ્યાં.

'હું તો તમને બધાંને જ તેડવા આવ્યો છું. મારો અને કનકપ્રસાદનો સંબંધ ગુરુશિષ્યનો છે.' ભાસ્કરે કહ્યું.

'જુઓ ને ભાઈ ! એટલા માટે તો હું આવું છું. બાકી અમારે હવે ગરબામાં જવું શું ?' જયાગૌરીએ કહ્યું. વર્ષો થયાં તેઓ આ સૂત્ર ઉચ્ચારી રહ્યાં હતાં. છતાં નાટક, સિનેમા, ભાષણ, પ્રદર્શન, મેળાવડા, મેળા, ખેલ, સરઘસ એ સર્વમાં ભાગ લેવાની તક બને ત્યાં સુધી તેઓ જવા દેતાં નહિ. ઉંમર વધતાં આનંદ ભોગવવાની શક્તિ કે વૃત્તિ ઓછી થાય છે એવું દેખાડવાનું શિષ્ટ જૂઠાણું એ આપણો વંશપરંપરાનો વારસો હજી લાંબો સમય ટકી રહેવા સર્જાયો છે.

જયાગૌરીએ પણ આયનામાં જોઈ ખાતરી કરી લીધી હતી કે તેઓ પોતે પણ છેક કદરૂપાં તો દેખાતાં નથી જ. માદીકરીના આગ્રહે