પૃષ્ઠ:Shobhana.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૩૭
 

કનકપ્રસાદને ઉજાગરામાંથી ઉગારી લીધા અને ભાસ્કર જયાગૌરી તથા શોભના બંનેને સાથે લઈ મોટરકારમાં બેસાડી પોતાને બંગલે લઈ ગયો.

વીજળીના દીવાથી ઝાકઝમાળ બનેલા બંગલાનો બગીચો ગરબા માટે આદર્શ સ્થાન બની રહ્યો હતો. સ્વર્ગ પણ શિક્ષણ લે એવા વૈભવનું દૃશ્ય રજૂ કરતા આ સ્થાનમાલિક ભાસ્કરના પિતા વિજયરાય એક આગેવાન મહાસભાવાદી હતા, અને તેમનો પુત્ર ભાસ્કર સમાજવાદ સુધી પહોંચી ગયો હતો. પરીઓને પણ લજાવે એવાં ઝીણાં, ખૂલતાં જરૂર પડે ત્યાં ચુસ્ત, દેહદીપ્તિને ખીલવે એવાં પરિધાન પહેરેલી યુવતીઓનાં ખુલ્લાં મુખ અને ખભા સુધીના ખુલા હાથ હિંદની કાળાશને દૂર કરી ગુલાબી ગોરાશથી વાતાવરણને વિદ્યુતમય બનાવી રહ્યાં હતાં. અજંતાની ગુફામાંથી સજીવન થઈ ફરતી કોઈ રૂપરાણી સરખાં લાંબાં કે ગોળ કુંડળ, પહોળી પાટલી કે પહોંચી અને દેહના કોઈ કોઈ ભાગમાંથી ઝબકી ઊઠતા હીરાને શરમાવતા બ્રુચ જોઈ કોઈ અજાણ્યા પરદેશીને તો એમ જ લાગે કે જગતવિજયી વીરો અને વીરાંગનાઓથી વસેલો આ દેશ કોઈ નવીન વિજયોત્સવ અને તેના કોઈ હળવા ભાગને ઊજવવા તત્પર થયો છે.

ગુજરાતનું ગૌરવ ગણાતા ગરબા ગુજરાતીઓની અહિંસાને જરૂર વધારે ખીલવે છે. કૉલેજના પુરુષવિદ્યાર્થીઓનો ગરબાપ્રેર્યો ઉન્માદ ઘડી પછી તેને સુકોમળતા અને લાલિત્ય તરફ દોરી તેનામાં સ્ત્રીની સુઘડતા અને સુકુમારતા ખીલવે છે. આ ખિલાવટમાંથી ગુજરાતી પુરુષ અંગમરોડ અને તાળીઓ માગતા ગરબા ગાતો બની જાય તો તેમાં નવાઈ કહેવાય નહિ. અને પુરુષો ભેગા મળી તાળીસહ ગરબા ગાય એ ગુજરાત સિવાય બીજે બન્યું છે પણ ક્યાં ?'

કોઈ કિન્નરીએ ન્હાનાલાલનો રાસ ગાયો:

'હલકે હાથે તે નાથ મહીડાં વલોવજો.'

નાથ બનવાની જવાબદારી લેતાં બીતા યુવકને પણ લાગ્યું કે તેનું હૃદય વલોવાતું હતું. કોઈ સુંદરીએ જૂના દયારામને પણ યાદ કર્યો !

'કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે !'

સહુ યુવકોએ અને કેટલાક પુખ્તવયી પુરુષોએ પણ - પોતાની આંખમાં કામણ હોવાની ખાતરી મન સાથે કરી લીધી.

કોઈ સ્વદેશપ્રેમી યુવતીએ ગાયું કે:

'અમે સ્વરાજ આજે લેશું રે,
દેશથી બની પૂજારણ.'

ગુજરાતના ભડવીર યુવકની ખાતરી થઈ ગઈ કે ઠમકા કરતી,