પૃષ્ઠ:Shobhana.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ

‘તમે ખાદી કેમ પહેરો છો ?’ રંભાએ પરાશરને પૂછ્યું.

‘તમે આ પટોળું કેમ પહેરો છો ?' પરાશરે જવાબ આપ્યો.

યુવતીઓ હસી પડી. એ પટોળું ન હતું; પાટણની એ પ્રભુતા નામશેષ રહી છે. પરદેશી અનુકરણે પટોળાને ધાગો બનાવી દીધું છે અને રંભાનું વસ્ત્ર તો અનુકરણ-પટોળું પણ ન હતું.

‘તમને સમાજવાદી તરીકે ઓળખાવ્યા હતા એટલે હું પૂછું છું. ખાદી તો ગાંધીછાપ કહેવાય.' રંભાએ હસી રહીને વાત શરૂ કરી.

‘હું મજદૂરવાદી છાપનું વસ્ત્ર શોધું છું. એ જડે નહિ ત્યાં સુધી ખાદી પહેરીશ. બીજા કોઈ પણ વસ્ત્ર કરતાં એ મને મજદૂરછાપની બહુ પાસે લાગે છે.' પરાશરે કહ્યું.

‘મોંધું, યંત્રશક્તિ વગર તૈયાર થયેલું, કલાહીન વસ્ત્ર...’

‘મારી આગળ કલાનું નામ જ ન દેશો. એ રાગ, રંગ, નૃત્ય અને કલા તરફ દોડતું માનસ મને આજ તો ભારેમાં ભારે પ્રત્યાઘાતી લાગ્યા કરે છે.’ પરાશરે કહ્યું.

‘તમને અદેખાઈ તો અસર નથી કરતી ? વિનીએ પૂછ્યું.

‘હશે; પરંતુ એ અદેખાઈ હવે તિરસ્કારમાં ફેલાઈ ગઈ છે. વર્તમાન પ્રત્યે મને તિરસ્કાર-ધિક્કાર ઉત્પન્ન થતો જાય છે.' પરાશર બોલ્યો.

‘તમે બંનેને અન્યાય કરો છો. આજનો યુવક અને આજની યુવતી એટલાં પ્રગતિમાન છે કે...' રંભાએ કહ્યું.

‘તમને કલા વગર ચાલતું નથી, અને કલામાંથી કૂદકો મારી કામમાં રાતદિવસ ડૂબકીઓ માર્યા જ કરવી છે.' પરાશર રંભાને અટકાવી વચમાં બોલી ઊઠ્યો.