પૃષ્ઠ:Shobhana.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬: શોભના
 


દારૂની આછી વાસ પણ જુદે જુદે ખૂણેથી આવતી હતી. મચ્છર ગણગણતા હતા; ઊંઘમાં અને ઊંઘમાં મચ્છરને ઉરાડતા કોઈ હાથ દેહને થાપટો મારતા હતા. દીવો તો હતો જ નહિ. એ આખી ચાલી મજૂરોથી વસેલી હતી. ઓરડીઓમાં ન માઈ શકતાં અગર રૂંધામણ ટાળવા મથતાં મજૂર-સ્ત્રીપુરુષો ઓરડીઓને જોડતી એક સળંગ ઓસરીમાં ગમે તેમ પડી નિદ્રાને શોધતાં હતાં, અને એ નિદ્રામાં સહાયભૂત થતી મદિરાનો પણ આશ્રય લેતાં હતાં. નિદ્રા પ્રેરે તે પહેલાં કેટલીયે મારામારી અને ગાળાગાળીનો પ્રવાહ મદિરા રેલાવતી હતી ! અને એ અભાનમાં આનંદ શોધવા ફાંફાં મારતાં કૈંક દેહ ઓળખ્યે - વગર - ઓળખ્યે વાસનાતૃપ્તિ માણી મદિરામય નિદ્રાને સહાય આપતા હતા. ! આ કૃત્રિમ નિદ્રા એ જ મજૂરજીવનના બળતા રણનો એક બાવળ હતો.

પરાશર થોડા દિવસથી પોતાની સગી આંખે મજૂરજીવન - મજૂરનું ગૃહજીવન નિહાળી રહ્યો હતો. મહા મુશ્કેલીએ મળેલી પોતાની ઓરડી પાસે તે આવ્યો. ઓરડીનું તાળું તૂટેલું હતું. તેણે બારણું ઉઘાડ્યું. હાથબત્તી સળગાવી અને પોતાની નાની પેટી તરફ નજર કરી. પેટીનું તાળું પણ તૂટેલું હતું. તેણે પેટી ઉઘાડી તેની પાસે પંદરેક રૂપિયાની પૂંજી ભેગી થઈ હતી. તે અદૃશ્ય થયેલી જણાઈ.

‘તાળાં વાસીએ ત્યારે તૂટે ને !’ પરાશરના મનમાં વિચાર આવ્યો; પરંતુ સરકારથી માંડીને થતી તાળાની શરૂઆત કઈ જગાએ અટકી શકે? ચોર અને ડાકુઓના વસેલા જગતમાં તાળાં સિવાય બીજું હોય પણ શું? તાળાના વ્યાપારીઓ કરોડપતિ બની ગયા હતા ! તાળાંમાં કળાકારીગરીએ વાસ કર્યો હતો ! કેટલાંક તાળાં ઊઘડતાં - વસાતાં સારીગમના સૂર ઉપજાવતાં હતાં. ! અને મહાન પુરુષો મકાનો ખુલ્લાં મૂકવાની ક્રિયામાંથી સોનાચાંદીનાં તાળાકુંચીની ભેટ પણ મેળવતા હતા ! આમ પરાશરને મન એક તાળું આખા જગતની સમાજવ્યવસ્થાને તોડવા માટે પૂરતી સાબિતી બની ગયું.

પરંતુ સમાજવ્યવસ્થા તો ન તૂટી; પણ પરાશરનું તાળું તો તૂટ્યું એટલું જ નહિ, તેના પંદર રૂપિયાયે ચોરાઈ ગયા !

તેના પંદર રૂપિયા ? કોના ? પરાશરના ? હજી દસેક દિવસ કાઢવાના હતા. ગરીબીનો પહેલો સાચો ધડકાર તેના હૃદયમાં ધબક્યો. મજૂરોનું જીવન જોવા, મજૂરોનું જીવન જીવવા, વૈભવ છોડી ગરીબીમાં ઊતરનાર પરાશરને ચિંતાએ મૂંઝવ્યો. સેવા કરવા માટે પણ જીવવું તો જોઈએ ને ? એ જીવન તે ક્યાંથી મેળવશે ? તેનાં માબાપ, તેના સધન મિત્રો સહુ એને યાદ