વધ્યો અને બોલ્યો :
‘હું જોઉ છું તું શું કરે છે તે ! ચાલ, છોડ આાને.’
મજૂરોથી જુદા પડતા આ યુવકની ભાષાએ ક્ષણભર પઠાણો ઉપર અસર કરી દેખાઈ, પણ તે ક્ષણવાર. પઠાણે પૂછ્યું :
‘તું પૈસા આપે છે ?'
‘શાના પૈસા ?' પરાશરે પૂછ્યું.
‘આને મેં રૂપિયા ધીર્યા છે, તે તું આપ અગર વચમાંથી ખસી જા.’
‘હું નહિ ખસું તો ?’
‘તો...' એક પઠાણે ડાંગ ઉપાડી, પરંતુ તે વીંઝીને પરાશરને મારે તે પહેલાં એક યુવાન મજૂરણ ટોળામાંથી ધક્કા મારતી બહાર આવી અને બોલી ઊઠી :
‘લો, લો તમારા પૈસા. શું કરવાને બધાંને મારી નાખો છો ?’ તેણે રૂપિયા કાઢી પઠાણો આગળ ધર્યા. એક પઠાણે તે લઈ લીધા, પડેલા મજૂર તરફ જોઈ તેણે કહ્યું :
‘આ મહિને તું બચી ગયો, બચ્ચાજી ! આવતે મહિને જો પૈસા ન આપ્યા તો મરી ગયો સમજજે.'
ફડફડતાં કબૂતરની સ્થિતિ ભોગવતાં મજૂર સ્ત્રીપુરુષોનાં હૃદયમાં જરા શાંતિ સ્થપાઈ. રૂપિયા ઉપર રૂપિયો વ્યાજ ચઢાવનાર પઠાણ લેણદાર પોતાની વધારાની રકમને વ્યાજ કહેવા દેતો ન હતો. કારણ મુસ્લિમ ધર્મ વ્યાજને હરામ માનેલું છે. ઈસ્લામમાં અભિમાન લેતા આવા પઠાણો વ્યાજને વ્યાજ ન કહેવા દઈ વ્યાજમુદ્દલ બંનેની વસૂલાત માટે એ શરીરશક્તિનો જ ઉપયોગ કરે છે, અને દેણદારો મૂંગે મુખે પોતાના દેહ ઉપર તેનો ઉપયોગ થવા દે છે. જોકે એ માર એટલો નિર્દય હોય છે કે બનતાં સુધી દેણદાર દેવાની રકમ આપવા ભાગ્યે જ ચૂકે છે. માર ખાતા મજૂરને છોડાવવાની પણ કોઈ હિંમત કરી શક્યું નહિ, અને વિજેતાની છટાથી પઠાણો હસતા, આંખો બતાવતા ત્યાંથી બહાર નીકળ્યા.
‘ભોગ એના, કોઈ શું કરે ? દારૂ પીવો, સિનેમા જોવો અને પઠાણો પાસે રૂપિયા લેવા ! આમ જ થાય ને ?’ એક સ્ત્રીએ ધીમે રહીને ટોળું વીખરાતાં કહ્યું.
‘દારૂ ના પીઉ તો બીજું શું કરું ?' મારથી થરથરી ગયેલા મજૂરે જમીન ઉપરથી ઊઠતાં ઊઠતાં કહ્યું.
‘લે ચાલ, હવે ઓરડીમાં.’ પૈસા લઈ આવનાર યુવાન મજૂરણે