પૃષ્ઠ:Shobhana.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨: શોભના
 


તેણે સહજ દૂર આવેલી ઓરડીમાં એક પુરુષની ધમકી તથા પ્રહાર અને સ્ત્રીની બૂમો તથા આછું રુદન સાંભળ્યાં. પઠાણના મારમાંથી પતિને બચાવનાર પત્ની શું મારને પાત્ર બનતી હતી ? પરાશરને વચ્ચે પડવાની વૃત્તિ થઈ આવી. વચ્ચે પડી એક સ્ત્રીને બચાવાય, એક દિવસ માટે બચાવાય; પરંતુ આવી તો કરોડો સ્ત્રીઓ જગતભરમાં રડતી હશે ! એક દિવસ માટે નહિ, જીવનભર રડતી રહેતી હશે !

અને એ માર મારનાર પુરુષ ? પત્નીના આત્મમાનને ઝટકાવી તે પોતાના ઘવાયલા માન ઉપર થીંગડાં મારતો હતો ! પત્નીને મારવામાં રહેલી સલામતીને લીધે તે પુરુષ પત્નીને માર મારી પઠાણ ઉપરનું વેર વાળતો હતો ! અને આવી ઉપરથી વહેતી આવતી કૂરતા અને નિષ્ઠુરતા ક્યાં ક્યાં નહિ વ્યાપી હોય ? દલિતોમાં - શોષિતોમાં પણ વર્ગ ! અને વર્ગવિગ્રહ એ ક્રાન્તિની ચાવી ખરી, પરંતુ ક્રાંતિ સમજવાની - ક્રાંતિને જીવનમાં ઉતારવાની પણ અહીં સમજ નહોતી.

પરંતુ જ્યાં સમજ છે ત્યાં શું થાય છે ? કૉલેજના સમયની આખી ક્રાંતિકારી ટોળીમાંથી હવે પરાશર લગભગ એકલો પડી ગયો હતો. પિતાની મિલકત હાથમાં આવે ત્યારે ક્રાંતિ માટે વાપરવા તૈયાર બનેલો ભાસ્કર સારામાં સારી કારમાં ફરી યુવતીઓને ભેગી કરી રીતભાતની નાજુકીમાં લપસવા લાગ્યો ! બિરાદર ફૈઝી જગતક્રાંતિને બાજુએ મૂકી મુસ્લિમોના ધર્મ અને સંસ્કાર ઉપર હિંદુઓ તરફથી આક્રમણ થતું અટકાવવામાં મુસ્લિમ લીગનો એક આગેવાન બની ગયો. સાંબશિવ આયર હિંદી સરકારના પ્રકાશન ખાતામાં ગોઠવાઈ ગયો. બિરાદર જગતાપને જાગીરદાર કન્યા મળી એટલે પરણીને કિસાનો ઉપર દાવા લડવાના કામમાં પરોવાઈ ગયો. સુધીર સિનેમાને મોખરે લડતાં નટી સુમેધાને પરણી બેઠો અને હવે બંને મળી હોલીવુડ જવાના પૈસા ઉઘરાવી રહ્યાં હતાં. અને પેલી કોમરેડ કુરંગી ? 'ઈન્કિલાબ ઝિન્દાબાદ' ગાઈગવરાવી હજારો સભાજનોને ક્રાંતિમાં ઝુલાવતી કુરંગી આજ બે ઘોડિયાં ઝુલાવતી હતી - એક લગ્ન પહેલાંનું અને એક લગ્ન પછીનું !

ત્યાર પછીનું મંડળ ? તે દિવસે કૉલેજમાં નિહાળ્યું એ ધ્યેયહીન, સંયમહીન, સંઘ crowd- ની ઓથે કાયરતા ઢાંકતું વિલાસભૂખ્યું ટોળું ! છોકરીઓની આસપાસ ફૂદડી ફરવામાં મહા સાહસનો સંતોષ અનુભવી રહેલું ગુજરાતનું એ યુવકમંડળ ! તેનું ભારેમાં ભારે પરાક્રમ તે અહિંસા ! ભૂલ્યે ચૂક્યે રાજકીય ટોળામાં ભળતાં એકાદ લાઠી ખાધી હોય તો શહીદીની ગાદીએ બેસવાની આકાંક્ષા સ્ત્રીના સાથમાં ભારેમાં ભારે