પૃષ્ઠ:Shobhana.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૫૩
 

મરદાનગી. ગુજરાતી યુવક-યુવતી જેવો કેમ દેખાય છે એનું રહસ્ય પણ એ મરદાનગીમાં જ ! એના હાથમાં દેશનું...

લાંબી વિચારમાળાને તોડતો ખટકાર પરાશરે બારણા ઉપર સાંભળ્યો.

‘કોણ છે ?' પરાશરે પૂછ્યું.

‘જરા બારણું ઉઘાડો ને ?’ એક ઝીણો અવાજ સંભળાયો.

‘ક્રાંતિવાદીને પણ સ્ત્રી ચમકાવી શકે છે.' પરાશર ચમકીને ઊભો થયો અને તેણે બારણું ખોલ્યું. પઠાણના પંજામાંથી પતિને છોડાવનાર મજૂરણ તેની સામે ઊભેલી દેખાઈ. તેના હાથમાં કપડે ઢાંકેલું નાનું વાસણ હતું.

‘કેમ. શું છે ?' પરાશરે પૂછ્યું.

‘બપોર થયા અને તમે હજી બહાર નથી નીકળ્યા. ખાવું પીવું નથી ?’ મજૂરણે પૂછ્યું.

‘ના. આજે મને ભૂખ નથી. પણ રતન ! કોઈ દહાડો નહિ અને આજે તું કેમ આમ ખબર લેવા આવી ?’

‘મને અંદર આવવા દો, પછી કહું.’ રતને જવાબ આપ્યો. પરાશર બારણા આગળથી ખસી ગયો, અને રતને અંદર આવી એક ચોખ્ખા લૂગડા નીચેથી એક ટિનની રકાબી કાઢી. રકાબીમાં બે બાજરીના રોટલા, ચટણી અને મીઠું મૂકેલાં હતાં.

‘આટલું ખાઈ લેજો.’ રતને કહ્યું.

"પણ કારણ?'

‘તમે ભૂખ્યા છો માટે.'

'તને કોણે કહ્યું ?’

'હવે વેશ મૂકો; હું જાણું છું.’

‘તારો વર તો વહેમી છે. મારી ઓરડીમાં તું આવી એમ જાણી જશે.’

‘એ તો મજૂરીએ નીકળી ગયો; અને જાણશે તોય. શું ?’

‘જાણે તો પાછો મારે.'

‘એ તો અમારે રોજનું હળિયું પડ્યું. મારે મારની નવાઈ રહી નથી.’

‘પણ આમ શા માટે...'

‘તમારા રૂપિયા તો હું ઊંચકી ગઈ, અને પાછો તમને ભૂખ્યાયે રાખું ?'