પૃષ્ઠ:Shobhana.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪: શોભના
 


પરાશરે રતનની સામે જોયું. રતન કે રતનના વર પાસે પઠાણને આપવાના પૈસા ન હતા. પઠાણના અસહ્ય મારની રતનને ખબર હતી. પઠાણ સાંજે આવી ધમકાવી ગયો હતો. તેનો વર પહેલી રાતનો ઢગલો બની ગયો હતો. રતને પૈસા મેળવવા મંથન કર્યું પરંતુ મજૂરોની ઓરડીમાં ઉછીના કે ચોરીના પૈસા મળે એ અશક્ય હતું. થોડા દિવસથી ચાલીમાં આવી રહેલો પરાશર જુદી ઢબનો લાગતો હતો. એ મજૂર ન હતો; ગરીબીનો દેખાવ કરતો હતો. છતાં કોઈ ભેદી કારણે એ ચાલીમાં આવી રહેતો લાગતો હતો. આ મુખ ઉપર - એના દેહ ઉપર મજૂરીની છાપ ન હતી. મજૂરોને - મજૂરોના બાળકોને એકઠાં કરવાને એ મથતો હતો. પરંતુ કદાચ છ માસ ઉપર અહીં થયેલા એક ખૂનની તપાસ માટે આવેલો એ જાસૂસ પણ હોય. જે હોય તે. એની ઓરડીમાં કાં તો ઘડિયાળ હોય કે કાં તો સોનાનાં બટન પડી રહેલાં હોય તો તેનો ઉપયોગ પઠાણના દેવા પેટે થઈ શકે.

રતને ખૂબીથી તાળું તોડ્યું અને અંધારામાં પરાશરની પેટી પણ તોડી. એને જોઈતી રકમ મળી ગઈ એટલે તે લઈ સાચવીને મૂકી રાખી. ચાલે ત્યાં સુધી એ રકમ ન અપાય તો સારું એટલું તો રતનને લાગ્યા જ કરતું હતું; પરંતુ પોતાના પતિ ઉપર મારી નાખવા જેટલી ક્રૂરતા પઠાણો વાપરતા હતા. એ ન જોઈ શકતી. રતને છેવટે પરાશરના પૈસા પઠાણોને આપી પતિને છોડાવ્યો.

પૈસા ખોવાયા છતાં પરાશર તરફથી કશું જ ધાંધળ ન થયું એ જોઈ રતનને જરા જિજ્ઞાસા થઈ. દરરોજ સાડા દસ-અગિયાર વાગતામાં બહાર નીકળી જતો પરાશર બાર વાગી ગયા તોયે બહાર ન નીકળ્યો. પૈસા વગર એ પણ ભૂખ્યો રહેશે, ત્યારે ? એના પૈસા ચોર્યા અને પાછો એને ભૂખ્યો રાખવો એ રતનને વધારે પડતું લાગ્યું; એટલે જે મળ્યું એ ખાવાનું લઈ એ પરાશર પાસે આવી; રૂપિયા ચોરી લીધાની કબૂલત પણ તેણે કરી.

પરાશરે રતનની સામે જોયું.