પૃષ્ઠ:Shobhana.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬: શોભના
 

'મને સમજાવવું નહિ પડે, મરદો શું માગે છે તે હું જાણું છું. તમે ભૂખ્યા છો તો જમી લો; પછી બધી વાત.'

‘હું તે પહેલાં જમીશ નહિ. જો રતન ! તારે મને ખરેખર જમાડવો હોય તો મારી એક વાત કબૂલ કર.’

‘કેટલી વાર કબૂલ કરું ? એક વખત તો હા કહી.’

'તેં શાની હા કહી ?’

'તમે જે માગો તેની.'

‘તો દરરોજ મારી પાસે તારે થોડી થોડી વાર ભણવા બેસવું.’

‘શું ?’ રતન ચમકી. રતનની ધારણા ખોટી પડતી હતી.

સારા સારા માણસો પણ શું શું માગી શકે છે તેની એને ખબર હતી. પઠાણોથી તાત્કાલિક બચાવનાર પરાશર જે માગે તે આપવાની રતનની તૈયારી હતી; પરંતુ પરાશર જુદી જ બાજુએ ઢળતો હતો. પરાશરના સરખી માગણી તેણે પહેલી જ વાર સાંભળી.

‘તમારી આખી ચાલીને મારે ભણાવવી છે; તું પહેલ કર.’

‘એટલા માટે અહીં આવ્યા છો ?’

‘ઘણાં કારણો છે, તેમાં આ કારણ પણ ખરું. તમે લોકો ભણો તો તમારા ઉપરના બધા ત્રાસ દૂર થાય.'

'સારું, વખત મળશે એટલે હું આવીને બેસીશ. હવે શરૂ કરો.'

પરાશરે પાણીથી હાથ ધોઈ નાખ્યા, અને એક ચોખ્ખા રૂમાલ વડે હાથ લૂછી નાખ્યા. જમીન ઉપર એક સ્વચ્છ ચટાઈ પડેલી હતી. તે તેણે લાંબી કરી પાથરી. રતન હસી.

‘કેમ ?’ પરાશરે પૂછ્યું.

‘આ ચાલીમાં તે આ બધી ચોખ્ખાઈ હોય ! એ તો બંગલાઓમાં રહો ત્યારે કરજો.'

‘ચાલીમાં જે ન બને તે મારે બંગલામાં પણ ન જોઈએ.’

‘તો પછી બંગલામાં અને ચાલીમાં ફેર શો ?’

'ફેર ન રહે એમ મારે કરવું છે.'

‘શી ઘેલી વાત કરો છો ?’

‘હું ખરું કહું છું. તો તારી ઓરડીનો બંગલો થાય.'

'સારું, હવે તમે જમવા માંડો. રોટલો તો ક્યારનો ટાઢો પડી ગયો છે.'