પૃષ્ઠ:Shobhana.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮: શોભના
 

સ્થળે રહ્યો છે. શ્રમજીવીઓ સાથે સંપર્ક રાખવો એ બરાબર; પરંતુ રાત દિવસ તેની પાસે રહેવું એ અશક્ય અને નિરુપયોગી છે એવો તેનો મત હતો.

રતન તરફનું ખેંચાણ તો પરાશરને અહીં નહિ ખેંચી લાવ્યું હોય ? રંભાને વિચાર આવ્યો. વિચાર આવવાનું શું કારણ ? સ્ત્રીઓને એક જ પ્રથમ દૃષ્ટિ હોય ! તેમ હોય તોય શું ? લગ્નમાં ન માનનાર વ્યક્તિઓ મોજ આવે તેમ દેહસંબંધ માણી લે ! ભૂખ લાગે એને સંતોષવી. છતાં રંભાનેય રતનનો વિચાર કેમ ખટક્યો ? પરાપૂર્વના સંસ્કાર ! બીજું શું ? એ સંસ્કારને ઉખાડવા એ જ નવીન સ્ત્રીત્વનું કાર્ય.

‘હમણાં શું વાંચો છો ?’ રંભાએ પૂછ્યું.

‘કાંઈ જ નહિ.’ પરાશરે કહ્યું.

‘વાંચતા જ નથી ?’

‘ના, કંટાળો આવે છે. કશામાં નવું જ્ઞાન મળતું નથી; એટલે વાંચતો જ નથી.'

‘તો પછી કરો છો શું ?'

‘હમણાં તો જોયા કરું છું. આજથી બને તો શિક્ષણની શરૂઆત કરવી છે?'

‘શું શીખવશો ?’

‘શીખવતી વખતે નક્કી થઈ જશે.'

‘પણ તમે આમ તમારા એકલ પ્રયત્નમાં શક્તિ ફેંકી દો, એના કરતાં કોઈ ચાલુ પ્રયત્નમાં જ જોડાઈ જાઓ તો ?'

‘મને કોઈ કશામાંય જોડતું નથી.’

'કારણ ?’

‘મારી કશી ખામી હશે.’

રંભા પરાશરને લેવા આવી ન હતી. Young Intellectuals- યંગ ઇન્ટેલેકચ્યુંલસની સભા તો ચાર વાગે મળવાની હતી. પરાશર ખાસ વાત શોખીન ન હતો. રંભા આટલી વહેલી શા માટે આવી હતી. તે પણ એ સમજી શક્યો ન હતો. આરામ તો તે કદી ઈચ્છતો નહિ. છતાં બેત્રણ લેખ લખી નાખવાની તેની ધારણા રંભાના આગમનથી અટકી ગઈ. રંભાને કાઢી મુકાય એમ ન હતું. એ નવીનતા વાંચ્છતી નવીન યુવતી હતી; નવીન વિચારો ધરાવતી હતી. વાતનો શોખ ન હોય તોપણ વાત કરવી પડે એવી સ્થિતિ ઊભી થતી હતી. અને રંભા જાતે એટલી વાતોડી હતી કે પરાશરને