પૃષ્ઠ:Shobhana.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦: શોભના
 

જાગે નહિ, સંગઠન કરે નહિ અને હડતાલ ઉપર ઊતરે નહિ ત્યાં સુધી કોઈની આંખ ઊઘડવાની જ નહિ.’

‘હું હડતાલ પડાવું તો તમે મને સહાય આપશો ?’

‘જરૂર, જરૂર. મને બહુ ગમશે. હું સરઘસને મોખરે લાલ વાવટો લઈ ઊભી રહીશ. પછી કાંઈ ?’

‘અને પોલીસ કે મિલિટરી ગોળીબાર કરશે તો ?’

‘ન્હાનાલાલની ‘વીરની વિદાય’ વાંચી છે ?’

‘ના. હું રાસગરબીઓ વાંચતો નથી.’

‘તમારા પ્રશ્નનો જવાબ ન્હાનાલાલે આપ્યો છે અને હું પણ એમના જ શબ્દોમાં કહી શકું :

"આવતાં ઝાલીશ બાણને હો
ઢાલે વાળીશ ઘાવ,
ઢાલ ફૂટે મ્હારા ઉરમાં રાજ
ઝીલીશ દુશ્મનદાવ."

'રાજનું સંબોધન ન જોઈએ. જગતમાં રાજાઓ છે જ નહિ અને હોય તો જોઈએ પણ નહિ.’

‘જોઈએ નહિ એ કબૂલ છે. નથી એમ કેમ કહેવાય ?’

‘રમકડા જેવો વિલાયતનો રાજા કે વાજાંવાળા જેવા હિંદના રાજામહારાજા ! એ સિવાય....’

બહાર મોટરકારનું ભૂંગળું વાગ્યું. વાત કરતાં રંભાએ પરાશરને ખાટલા ઉપર પોતાની જોડે જ બેસાડી દીધો હતો. પરાશર અને રંભા બંને વાતોમાં ભૂલી ગયાં હતાં કે આમ અડીને પાસે પાસે બેસવું એ આજના પ્રગતિમાન યુગને પણ સંશયભર્યું લાગે છે. રંભા ચમકી ઊઠી અને બારણા પાસે જઈ ઊભી.

‘બધાં આવ્યાં લાગે છે !’ રંભાએ કહ્યું.

એકાએક ઊઠી ગયેલી રંભાના માનસને સમજીને પરાશરે કહ્યું :

‘તમે બેસો. હું બોલાવી લાવું.’

પરંતુ કોઈને બોલાવી લાવવાની જરૂર જ ન રહી. તારિકા અને વિની બંને મોટરમાંથી ઊતર્યાં. અને રાત્રે અંધકારમય દેખાતી ચાલીના સૂર્યે દર્શાવેલા ગંદા ભાગમાં મહામહેનતે દાખલ થયાં. કૉલસા, રાખોડી, લાકડાં, ધૂળ, કાદવ, ફડફડતાં લૂગડાં, ગમે તેમ વહેતું પાણી, ઉઘાડાં બાળકો, અર્ધવસ્ત્રવાળી સ્ત્રીઓ, બૂમાબૂમ, કકળાટ, તાપમાં પડેલાં