પૃષ્ઠ:Shobhana.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૬૧
 

વગર ધોયેલાં નાનાં વાસણ અને ઊંઘમાં પણ અસ્વસ્થ બનતા કેટલાક જમીન ઉપર પડેલા વૃદ્ધોની વચમાં થઈ સ્વચ્છ વિની અને તારિકાને અંદર આવવાનું હતું. તદ્દન અજાણી જગા અને અજાણ્યું વાતાવરણ ! એક ક્ષણને માટે તેમને પાછા જવાનો વિચાર થઈ આવ્યો, પરંતુ પરાશરને બોલાવીને જવાનું હતું એટલે અંદર ગયા સિવાય છૂટકો જ ન હતો.

‘અહીં, આ બાજુ’ રંભાએ બૂમ મારી.

‘અરે શું ? આ તે રહેવાની જગા છે ?' વિનીએ કહ્યું.

‘હા જી, પધારો, અહીં જ હિંદ વસે છે.' પરાશરે જવાબ આપ્યો.

‘હિંદ કે હેલ*[૧] ?' તરિકાએ ચબરાકીથી પ્રશ્ન કર્યો.

‘આપ જે કહો તે; બેમાં બહુ ફેર નથી.' પરાશરે કહ્યું.

'પણ તમે અહીં કેમ રહો છો ?' વિનીએ પૂછ્યું.

‘જેનું કામ કરવું તેની સાથે એક બની જવું; એ સિવાય આપણી ભાવના અને આપણાં કાર્ય જૂઠાં પડી જાય છે.' પરાશર બોલ્યો.

‘ગાંધીવાદનો ભણકાર ! તમે ભૂલ કરો છો.' તારિકા બોલી.

‘હું ક્યારની એ જ સમજાવું છું.’ રંભાએ કહ્યું.

‘માટે તું અમને મૂકીને એકલી ચાલી આવી, ખરું ?’

'મેં ગઈ કાલે આ જગા જોઈ ત્યારથી જ મને એમ થયા કરતું હતું કે હું પરાશરને સમજાવી સારી જગાએ રહેવા લલચાવું.’ રંભાએ કહ્યું.

‘સારી જગાએ રહેવાનું તમને સહેજે મળશે, આવી જગ્યા અલભ્ય છે. પરાશર બોલ્યો.

'બધું થાય, પણ આપણાથી આ જગામાં ન જ રહેવાય !’ હાથમાંથી નાની ચામડાની સુશોભિત બેંગમાંથી નાનકડો આયનો કાઢી તેમાં મુખ જોતી વિનીએ કહ્યું.

‘ન જ રહેવાય એના કરતાં કોઈને ન રહેવા દેવાય એમ કહો તો ?' પરાશરે પૂછ્યું.

‘કબૂલ, અને એનો પહેલો પ્રયોગ તમારા જ ઉપર કરીએ.' તારિકા બોલી.

‘એટલા માટે તો હું ક્યારની અહીં આવી છું.’ રંભાએ કહ્યું.

‘એકલી એકલી !' વિની બોલી અને હસી.

‘હવે વખત થઈ ગયો છે : સભામાં મોડાં પડીશું. પરાશર ! તમે તૈયાર


  1. * Hell - હૅલ- નરક