પૃષ્ઠ:Shobhana.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લગભગ ત્રીસેક યુવકયુવતી એક મોટા ખંડમાં ભેગાં થયાં હતાં. જમીન ઉપર સુશોભિત બિછાયતો પાથરેલી હતી, અને ભીંતે અઢેલીને એક આસમાની રંગના ગલેફવાળો તકિયો મૂકવામાં આવ્યો હતો. ખંડની ભીંત અને આસમાની રંગનો તકિયો રંગયોજનામાં અનુકૂળ બની જતાં હતાં. તકિયે અઢેલીને ભાસ્કર પ્રમુખસ્થાને બેઠો લાગતો હતો. આઠેક યુવતીઓ વીસબાવીસ યુવકોની સાથે ભેળસેળ બેઠેલી હતી. સ્ત્રીઓ માટે અલગ સ્થાન રાખવાની પ્રણાલિકા આશિષ્ટ, વર્ગભેદ ઉપજાવે એવી અને જાતીય ભાવનાને જાગ્રત રાખવામાં સહાયભૂત બનતી હોવાથી આ ‘યંગ ઇન્ટલેકૂચયુઅલ્સ' - બુદ્ધિવાદી યુવક મંડળે તેનો ભંગ કર્યો હતો.

‘આજે હું ચારેક નવા સભ્યોને આકર્ષી શક્યો છું.’ ભાસ્કરે કહ્યું.

સભાએ તાળીઓ પાડી.

‘અને વધારે મહત્ત્વની વાત એ છે કે ચારે સભ્યો સ્ત્રીવર્ગની છે.'

સભાએ વધારે તાળીઓ પાડી, અને સહુએ નવા સભાસદોને શોધી કાઢવા નજર ચારે પાસ નાખી. શોભના, વિની, તારિકા અને રંભા તરત નૂતન સભ્યો તરીકે પરખાઈ આવ્યાં.

‘એક મિત્ર સભ્ય નથી, છતાં સહાનુભૂતિ દર્શાવવા હાજર છે, ઘણા તેને ઓળખે છે. થોડા સમયથી એના દેખાવમાં ફેર પડ્યો છે; અને ગાંધીવાદ તરફ તે ઘસડાયે જાય છે; છતાં તેને મેં આમંત્રણ આપ્યું છે. એનું નામ પરાશર, એની હાજરીનો સભાને વાંધો નહિ હોય.' પ્રમુખ ભાસ્કરે કહ્યું.

સભા બોલી ઊઠી :

'ના, ના, ના.'

‘તો આપણે આપણું કામ શરૂ કરીએ. આપણે પ્રગતિશીલ છીએ. અર્થવાદી નથી. બુદ્ધિને અનુસરવાનો આપણો દાવો છે. અત્યારની પરિસ્થિતિનું નિવેદન બે વિભાગમાં આપણે તૈયાર કરાવ્યું છે : એક આંતરરાષ્ટ્રીય અને બીજું હિંદી. તે આપ સંભાળી લો અને તેમાં સુધારા સૂચવો.’ પ્રમુખ ભાસ્કરે મહત્ત્વપૂર્વક કહ્યું, અને એ યુવક તરફ દૃષ્ટિ ફેંકી યુવકે ઊભા થઈ નિવેદન વાંચવું શરૂ કર્યું.