પૃષ્ઠ:Shobhana.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬: શોભના
 

ગ્રહણમાં ઘેરાયલ મહાસભાનો પ્રકાશ ઘટતો જતો હતો. પ્રાંતિક સ્વરાજ્યનો પડછાયો સ્વીકારવાથી મહાસભાનો ક્રાંતિ વેગ તદ્દન છીછરો બની ગયો હતો. દેશને ક્રાંતિ માટે તૈયાર કરવાને બદલે કાયદાકાયર બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ હતી. કાયદા પણ મજદૂરો અને કિસાનોને મૂડીવાદીઓની ચુંગાલમાં વધારે ફસાવે એવા થતા હતા. મજૂરોની હડતાલો મહાસભાનાં જ પ્રધાનમંડળો ગોળીબારથી તોડતાં હતાં. સત્તાશોખીન મધ્યવર્તી વડીલ મંડળ પ્રધાનમંડળો પણ લગામમાં રાખી એકહથ્થુ સત્તા જમાવ્યે જતું હતું, અને સામ્યવાદીઓ ઉપરના અંકુશ હળવા થયા ન હતા. મહાસભા તો મિલમાલિકો, જમીનદારો, મિલકતવાળાઓ, વકીલો ને ડૉક્ટરી જેવા લૂંટારુ ધંધાદારીઓના હિતસમૂહ સાચવનારી પ્રત્યાઘાતી સંસ્થા બનતી જતી હતી...'

એકાએક સભામાંથી પ્રશ્ન ઊઠયો :

‘પરંતુ અહીં ભેગાં થનાર યુવકયુવતીમાંથી કોણ મજદૂર અને કોણ કિસાન વર્ગનું પ્રતિનિધિત્વ બતાવે છે ?’

પ્રશ્ન પૂછનાર પરાશર હતો.

'બધા જ. બધા જ.' થોડા જવાબો મળ્યા.

‘મિલમાલિક, જમીનદાર, મિલકત વાળા, વકીલો, ડૉક્ટરો જેવા લૂંટારુ ધંધાદારીઓ - અને ઉપરાંત સુખી સરકારી નોકરોના દીકરા, ભાઈ કે ભત્રીજો-ભાણેજ સિવાય અહીં બીજું કોઈ બેઠું છે ખરું ?' પરાશરે પ્રશ્ન પૂછ્યો.

‘એટલે ?’ એક પ્રશ્ન થયો.

‘એટલે એમ કે તમે બધા જ પ્રત્યાઘાતી સંસ્થાના આશ્રિતો છો. સુખી મહાસભાવાદીનો દીકરો એટલે સામ્યવાદી ! હિંદના સામ્યવાદીઓને બીજી ઢબે હું ઓળખાવી શકતો નથી.' પરાશરે કહ્યું.

સભામાં જરા ધાંધળ થયું; સહુ કોઈએ બોલવા માંડ્યું. પ્રમુખે એક નાનકડી ઘંટડી વગાડી સહુને શાંત પડવા સૂચન કર્યું. અંતે એક જણે પ્રશ્ન કર્યો :

‘પરાશર સભાસદ નથી; એને પૂછવા સિવાય બોલવાનો અધિકાર નથી.'

‘હું તો પ્રશ્ન પૂછતો હતો. આપણે બધા જ પ્રત્યાઘાતી છીએ એમ દર્શાવવા માગતો હતો. મહાસભાવાદીઓની ટીકા કરવા માટે આપણો શો અધિકાર છે તે હું સમજવા માગતો હતો. પરંતુ હવે પૂછ્યા વગર હું નહિ