પૃષ્ઠ:Shobhana.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૬૯
 

ભાવિ ધારાશાસ્ત્રીએ કહ્યું.

‘અને તમે ધોરણ ઠરાવો ત્યાં સુધી ઝઘડા મુલતવી રહેશે. નહિ ?’

‘એ ઝઘડામાં ધર્મનું તો બહાનું જ છે. તકરાર છે માત્ર રોટલીની. શાહીવાદી અર્થવાદનું માળખું તૂટી પડે તો આ બધું અટકી જાય.' એક ફિલસૂફે હિંદમાં સમજાયલું માર્ક્સનું સૂત્ર ઉચ્ચાર્યું.

‘આપણે એટલું જ કરીએ. હિંદુઓ મુસ્લિમોને મારતા હોય તો આપણા આ ત્રણે મુસ્લિમભાઈઓની સલામતી આપણે કહેવાતા હિંદુઓ માથે લઈ લઈએ. અને મુસ્લિમોનું જોર હોય તો આ ભાઈઓ આપણને સલામત રાખવાની બાંહેધરી આપે.' પરાશરે કહ્યું.

‘પણ અમે હિંદુ છીએ એમ અમે કહેતા જ નથી. ધર્મમાં અમે માનતા નથી.' ભયના માર્યાં ધર્મને ધકેલી દેતા એક સભ્ય-જન્મે હિંદુ ભાઈએ કહ્યું.

‘અરે, હા હા, એ યોજના બરાબર છે. હું કબૂલ છું.’ મોટી સંખ્યાને આશ્રયે બહાદુર બનતા એક બુદ્ધિમાને કહ્યું.

‘અમો ત્રણને માથે તમે ત્રીસની જવાબદારી નાખો છો. એમાં જ તમારું હિંદુપણું દેખાઈ આવે છે. એ જ ઢબે તમે મુસ્લિમો સાથે વર્તાવ રાખવાના, ખરું ને ? તમારી સંસ્થા સાથે અમે ભાગ્યે જ સંબંધ રાખી શકીએ.' એક મુસ્લિમ બિરાદરે ગુસ્સાથી કહ્યું. ધર્મરોગી મુસ્લિમ માનસ અને ભીરુતાભ્રષ્ટ હિંદુ માનસ અહીં તરવરી રહ્યાં. નવી કેળવણી પણ તેમને ધર્મઝનૂન કે કાયરતાથી મુક્તિ અપાવી શકતી ન હતી. મકાનની બહાર માનવ રાક્ષસતાનાં વર્તુલો ઘૂમતાં સંભળાતાં હતાં. હજાર વર્ષોથી સંસ્કૃતિસમન્વયનાં અજાણ્યે પ્રયોગો કરતી હિંદી પ્રજા અત્યારે સામસામે ધર્મમોરચા માંડી ધર્મને અધર્મનું સ્વરૂપ આપ્યે જતી હતી. અને તે ભણેલા, બુદ્ધિમાન, હિંદની એકતાનાં સ્વપ્નો સેવી ચૂકેલા, અરે હિંદની એકતા માટે મથી ચૂકેલા પીઢ અગ્રણીઓની દોરવણી નીચે !

એક સાંકળે બાંધેલા બે ગુલામો સામે રોટલીનો એક ટુકડો ફેંકાયો ! સાંકળ તોડવાનું બાજુએ રહ્યું, અને બંને ગુલામોએ આંખો કાઢી ઘૂરકવા માંડ્યું, નહોર-નખોરિયાં મારવા માંડ્યાં તથા વધારે વીરરસમાં આવી પરસ્પરને બચકાબચકી ભરવા માંડ્યાં. રોટલીનો ટુકડો યે ધૂળમાં રગદોળાય છે, ખણખણતી જંજીર સંભળાતી પણ બંધ થાય છે, ગુલામો સાચા દુશ્મનને ભૂલી જાય છે, અને એકબીજાને દુશ્મન લેખી ઝેરભર્યું માનસ અને લોહીભર્યાં દેહને જોઈ જોઈ જીનવેતાળનાં આહ્વાન કર્યે જ જાય છે.