પૃષ્ઠ:Shobhana.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦: શોભના
 


ગુલામોનો માલિક બંનેની મનોદશા જુએ છે, એ મનોદશાને ઉગ્ર બનાવવા, ધૂળભર્યા ટુકડાના વધારે ટુકડા બનાવી બન્ને ગુલામો વચ્ચેનાં વિગ્રહસ્થાનો વધારે છે, હસે છે, રમત જુએ છે, અને ક્ષણે ક્ષણે નિર્બળ બની જતા ગુલામોના સંગ્રામમાં સાંકળની ક્ષેમકુશળતા નિહાળ્યા કરે છે. શેરીમાં થતા શ્વાનવિગ્રહ સરખો આ હિંદુ-મુસ્લિમ વિગ્રહ માલિકીની એક એક લાકડી પડતાં શમી જશે એવી ખાતરી ધરાવતો માલિક બંને ગુલામો પાસે એની નિત્ય મજૂરી લીધે જ જાય છે. ગુલામોની અને શ્વાનોની વચ્ચે ભાગ્યે જ તફાવત હોય ! અંદર અંદર લડતાં એ પ્રાણીઓ જેણે નીરખ્યાં હોય તેને ભાગ્યે જ હાલના હિંદુ-મુસ્લિમ વિગ્રહમાં એથી વધારે ઊંચું માનસ દેખાતું હોય !

અને એ ગુલામો ઘૂરકતાં ઘૂરકતાં પરસ્પરને સંભળાવે છે કે -

‘અમે બાદશાહીનાં ફરજંદો !’

‘અમે હિંદુપત પાદશાહીનાં સંતાન !’

પરાશર બહાર નીકળવા ગયો. રંભા; એકાએક ઊભી થઈ આગળ વધતા પરાશરને રોકવા જતી દેખાઈ.

‘મારી સાથે આવો છો ? ચાલો.’ પાછળ આવતી રંભાનો હાથ ખેંચી પરાશરે કહ્યું, અને તે ઓરડાની બહાર નીકળી ગયો. રંભા પાછળ દોડી.

‘મૂર્ખાઈ !’ ‘નિરર્થક સાહસ !’ ‘બહાદુરીનો ભ્રમ !’ ‘ચક્રમપણું !’ એવા એવા ઉદ્ગારોથી પરાશરના કૃત્યને ઓળખાવતા ‘બુદ્ધિમાન યુવકો'માંથી એકે ઊઠી ઝડપથી બારણું બંધ કર્યું. સુંવાળી બુદ્ધિએ કંટકભરેલા સત્ય તરફ આંખ મીંચી. શોભનાને આ કાયરતા અસહ્ય થઈ પડી. તેણે ઊભા થઈને કહ્યું :

'પ્રમુખ સાહેબ ! બારણું બંધ થવું ન જોઈએ.’

‘બધાંની સલામતી માટે એ જરૂરી છે.' છોકરી સરખા તીણા અવાજવાળા એક યુવકે કહ્યું.

'જરાય નહિ. અહિંસામાં માનતા હો તો વગરહથિયારે અને હિંસામાં માનતા હો તો આ માળામાંથી દંડા લઈને સહુ કોઈ બહાર આવો. ટોળાબંધ ત્રીશે જણ નીકળશું તો ઘણું થઈ શકશે.’ શોભનાએ તકરાર ઉઠાવી.

‘સ્ત્રીઓ hysterical[૧]* હોય છે...' તીણા અવાજવાળા યુવકે જવાબ


  1. * ઊર્મિ-પ્રધાન