પૃષ્ઠ:Shobhana.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૭૧
 

આપ્યો. એ જવાબ પૂરો થાય તે પહેલાં શોભનાએ બારણું ઉઘાડી નાખ્યું. બારણું ઉઘાડતા બરાબર બહારથી પથ્થરનો વરસાદ વરસવા લાગ્યો. માથા ઉપર થઈ ચાલી જતા પથ્થરોથી બચવા શોભના નીચી વળી બહાર નજર નાખતી શોભનાએ રસ્તા ઉપરનાં રમખાણો નિહાળ્યાં. લોકો દોડતા હતા, બૂમો પાડતા હતા, નાસતા હતા, ધસતા હતા, ધક્કામુક્કી કરતા હતા, લાઠીઓ ઉછળતા હતા અને વચમાં વચમાં છરાઓ ચમકાવતા હતા. કોઈ કોઈના હાથમાં બળતાં લૂંગડાં વીંટચાં વાંસ પણ હતા. ઘડીકમાં માનવટોળું બાહ્ય દેખાવે હિંદુ લાગતું તો ઘડીકમાં તે ટોળું મુસ્લિમ હોવાનો ભ્રમ ઉત્પન્ન કરતું. એકબીજાને આશ્રયે વીર બનવા મથતાં એ ટોળાં મોટું ટોળું સામે આવતાં, વેરાઈ જઈ નામર્દોની ચાલાકી દર્શાવતાં અને એકલ માણસને નિહાળી તેના ઉપર લાઠી લઈ તૂટી પડી. અગર પીઠ પાછળથી છરો ભોંકી નામર્દોની વીરતાનું પ્રદશન કરતાં.

એક યુવતીને ઝડપથી એક શેરીમાં પસાર થતી શોભનાએ નિહાળી. એ. રંભા તો નહિ હોય ? હુલ્લડોમાં સ્ત્રીઓ ભાગ્ય જોવામાં આવતી.

ક્ષણવારમાં તેણે એક યુવક પર લાઠીઓની ઝડી પડતી જોઈ. એ. યુવક પણ બરાબર સામો થઈ લાઠીના પ્રહારો ઝીલતો અને સામા પ્રહારો કરતો. એ પરાશર તો નહિ હોય ?

શોભના ઊભી થઈ. છજા ઉપર હવે પથ્થરો પડતા ન હતા. તેના હૃદયમાં જાણે આવેશ હોય તેમ તે આગળ ધસી નીચે ઊતરવા ગઈ. તેને લાગ્યું કે તેને કોઈ પકડી રાખે છે. તેણે પાછળ જેવું. ભાસ્કર તેને રોકતો હતો.

‘છોડ, ભાસ્કર ! મને જવા દે. શોભનાએ કહ્યું.

'ક્યાં'

'બહાર.'

‘મૂર્ખ ન બનીશ.’

‘રંભા મુશ્કેલીમાં છે.’

‘તારા ગયાથી એ બચશે ?'

‘મને એ વિચાર આવતો નથી, જે થાય તે ખરું.’

‘તોફાન આપણાથી દૂર ચાલ્યું જાય છે. મારી કાર નીચે ચોકમાં જ છે. આપણે તેમાં ચાલ્યાં જઈએ.' ભાસ્કર બોલ્યો.