પૃષ્ઠ:Shobhana.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બહુ સારું થયું તમે આવ્યા તે. હુલ્લડ ચાલે છે, અને મને એવો ધ્રાસ્કો પડ્યો !’ પરાશરને ચાલીમાં પેસતો જોઈ રતને કહ્યું.

‘બધે હુલ્લડ નથી.' પરાશરે જવાબ આપ્યો.

‘ગઈ સાલ આ ચાલી પાસે જ તોફાન થયેલું. કેટલી મારામારી અને કાપાકાપી ! મેં પણ પાંચપંદર પથરા ફેંક્યા હશે !’

'તને બૈરાંની પોલીસમાં દાખલ કરીશું.’ પરાશરને હસવું આવ્યું.

‘એટલે ?’

‘હવે પુરુષ પોલીસથી હુલ્લડ અટકતાં નથી. એટલે...’

‘અરે, પણ આ તમારા માથામાંથી તો લોહી નીકળે છે ! ક્યાં વગાડી આવ્યા?'

‘કોણ જાણે !’ રતને ઝડપથી પરાશરની ઓરડીનું બારણું ઉઘાડ્યું, અને ફાનસ સળગાવવા જતા પરાશરના હાથમાંથી ફાનસ ઝુંટવી. તેણે સળગાવ્યું.

‘બાપરે ! બહુ લાગ્યું છે. નીચે બેસી જાઓ. હું રૂ બાળી લાવું.’ રતને પરાશરને પકડી ખાટલા પર બેસાડ્યો, અને ઓરડીની બહાર તે દોડી ગઈ. પરાશરની અને રતનની ઓરડી વચ્ચે બીજી ઓરડીઓ હતી. છતાં ઘણી વખત મોટેથી થતી વાત આખી ચાલીમાં સંભળાતી. મજૂરોને ટીપમાં વાત કરતા સભ્યતા નડતી નથી. પંચમ અ ધૈવત એ અશિક્ષિતોના સામાન્ય સૂર ગણી શકાય. પરાશરે રતન અને તેના પતિ વચ્ચે થતી વાત સાંભળી પણ ખરી :

‘બહાર પગ મૂક્યો તો પગ વાઢી નાખીશ.’

‘વાઢ્યો. હવે તેં પગ ! મૂઆા પાછો દારૂ પી આવ્યો !’

‘બહુ બોલી તો જીવતી નહિ છોડું ! જોવું છે ?’ એક લાકડીનો ફટકો પણ પરાશરે સાંભળ્યો.

‘પીટયા ! રાજિયો ગાય તારો ! હાથ સખણો નથી રહેતો, ખરું ? પેલા પઠાણને તો વેચવા ફરતો હતો, અને હવે મોટો સતો થાય છે...’

રતન ઓરડીમાં આવી અને પરાશરે પૂછ્યું :

‘શું કરવાને આવી ?’