પૃષ્ઠ:Shobhana.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬: શોભના
 


રંભા અંદર આવી રહી હતી.

‘છેવટે વાગ્યું, ખરું ?' રંભાએ પાસે આવી પૂછ્યું.

‘આવા હુલ્લડમાં પડીએ એટલે વાગે પણ ખરું.’ પરાશરે જવાબ આપ્યો.

‘જીવનું જોખમ ! કેટલું સાહસ કર્યું !’

‘સાહસ વગર શું બની શકે ? અને જીવ તો પ્રત્યેક પળે. જોખમમાં જ છે ને?'

રતને સારવાર અટકાવી. તેને લાગ્યું કે તેની ઓરડીમાંથી બૂમો આવ્યા કરતી હતી. રંભાના મુખ ઉપરની તેણે ચિંતા પણ નિહાળી. વ્યવહારદક્ષતાનો આશ્રય લેઈ રતને કહ્યું :

‘હું જરા જઈ આવું.’

‘હા, જરૂર જા. તું તો મારી મા બની ગઈ છે.' પરાશરે કહ્યું.

‘આ બહેન તો બેઠાં છે ને ?’ રતને જતાં જતાં પૂછ્યું.

‘હા, હું બેઠી છું હમણાં.’ રંભાએ કહ્યું અને પરાશરની જોડે તે બેસી ગઈ. ફાનસના આછા અજવાળામાં રંભાને રતન રૂપાળી લાગી. રતને પાછાં ફરી બારણા બહારથી કહ્યું :

“પણ બહેન ! જોજો ઘા સંભાળજો.'

‘ક્યારે વાગ્યું ?’ રંભાએ પૂછ્યું.

‘તમે અને હું છૂટાં પડી ગયાં પછી.'

‘શાથી વાગ્યું ?’

‘એક મુસ્લિમ કોઈને છરી ભોંકવા જતો હતો. તેની છરી મેં પડાવી એટલે હિંદુઓની ટોળી લાઠી સાથે એ મુસ્લિમ ઉપર તૂટી પડી. એને છોડાવતાં મને વાગ્યું.’

‘મારો તો જીવ એટલો અધ્ધર થઈ ગયો ! તોફાનનાં વર્ણન વાંચ્યા-સાંભળ્યાં ખરાં. પણ નજરે તોફાન પહેલી વાર જોયું ! બાપ રે...' રંભા બોલી અને તેણે આંખ ઉપર હાથ ઢાંકી દીધો. એની દૃષ્ટિ આગળ માનવજાતની અમર્યાદાઓ ઊભરાઈ આવી. બુદ્ધિને બાજુએ મૂકી ઘેલછાને ઘૂમવા દેતી માનવવૃત્તિનાં દૃશ્યો તેની નજર આગળ તરી આવ્યાં. તે જાતે ભયભીત બની ગઈ હતી. તોફાન થયું સાંભળતાં જ સ્ત્રીઓએ તો સંતાઈ જ જવું જોઈએ એવી માન્યતા કૉલેજની કેળવણી પણ દૂર કરી શકતી ન હતી. પરાશરે રંભાને ખેંચી અને રંભા તોફાનની મધ્યમાં જ જઈને ઊભી રહી ! એ ક્યાંથી હિંમત લાવી શકી હશે ? રંભાને પોતાને જ સમજ ન પડી.