પૃષ્ઠ:Shobhana.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮: શોભના
 

સ્ત્રીપુરુષના સહપ્રયોગો જનતાએ નિંદી કાઢ્યા હતા અને તેને પ્રથમ નિષ્ફળતા મળી હતી. એટલે બીજું કાંઈ નહિ તો tactics તરીકે - વ્યુહરચના તરીકે પણ તે વિકારવશતાનો વિરોધી બની ગયો હતો. અંગત રીતે તો વાસનાની નાની સુખભરી સુંવાળાશમાં તેને નામર્દાઈનાં જ દર્શન થતાં હતાં. પ્રેમીઓનાં - વિદ્યાર્થીપ્રેમીઓનાં ઝડપથી બંધાતાં સ્મિત જાળાં પ્રત્યે તે તિરસ્કાર કેળવતો બની ગયો હતો. એમાં એને દેશ દુર્બળ બનતો દેખાયો હતો. આર્યસમાજીઓની કડક બ્રહ્મચર્યભાવનાનો તે પ્રશંસક બની ગયો હતો - જોકે તે જાતે કોઈ પણ ધર્મમાં માનતો ન હતો. છતાં. પરાશરે હાથ ખેંચી લેવા માંડ્યો. રંભા પરાશરના માનસને ઓળખી શકી હતી. તેણે પોતાના હાથ વડે પરાશરનો હાથ પકડી રાખ્યો.

‘કેમ ચમકો છો ?’ રંભાએ પૂછ્યું.

‘અમસ્તો જ.’

‘મારો હાથ નથી ગમતો ?'

‘એમ નહિ, મારો બરછટ હાથ અને તમે...’

‘સુંવાળા હાથવાળાં, ખરું ?’ રંભા બોલી ને હસી.

પરાશરને જવાબ ન જડ્યો. આ રંભા અશિષ્ટ દેખાતા, ગરીબીમાં ડૂબી ગયેલા, મજૂર જનતા કરતાં સહજ જ ઊંચે વસતા યુવક પ્રત્યે આકર્ષાઈ હતી એવી ભ્રાન્તિને ખરી પડતી તે અનુભવતો હતો. જગતમાં - માનવ અને પશુ જગતમાં આ જાતિનો દેવ - આ કામદેવ કેવા અણધાર્યા પ્રસંગો ઊભા નહિ કરતો હોય ?

‘જાણે ખાખરાના પાનમાં કેસૂડાં મૂક્યાં, નહિ ?' રંભાએ પરાશરની મૂંઝવણ વધારતાં કહ્યું.

‘હું ઉપમાઓનો-અલંકારોનો વિરોધી છું.’ પરાશરે સમજ ન પડવાથી જવાબ આપ્યો.

‘તો આપણે સાદી વાત કરીએ.'

‘હાથ છોડી દઈને.'

‘એ હાથ જલદી છોડવા માટે પકડ્યો છે ?’

‘પરાશર આ આર્જવભર્યું હસતી અપ્સરા તરફ જોઈ રહ્યો. ક્ષણ રહી તે બોલી ઊઠ્યો :

‘પણ... પણ... હું તો પરણેલો છું.’

રંભાએ એકાએક પરાશરનો હાથ છોડી દીધો.

સહશિક્ષણ, સહજીવન, સિનેમા, નાટક, નવલકથા, મોટરકારની