પૃષ્ઠ:Shobhana.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૭૯
 

મુસાફરી, સહમુસાફરી, સભા, પ્રભાત ફેરી, સરધસ એ સઘળાં તત્ત્વો વર્તમાન ગુજરાતના જાતિજીવનને સદાય જાગતું અને ઝણઝણતું રાખે છે. લાંબી વય સુધીની અલગ્ન અવસ્થા અને શારીરિક સંબંધમાંથી ઊડી જતી પાપની ભાવના જાતીય સંતોષના અનેકાનેક અખતરાઓ રચાવે છે. વિચિત્ર પરાશરના પુરુષત્વે રંભાની જિજ્ઞાસા ઉશ્કેરી અને જિજ્ઞાસા અત્યંત ઝડપથી રસવૃત્તિમાં ફેરવાઈ ગઈ. એકલાં પડેલાં યુવકયુવતી પરસ્પરને માગી રહ્યાં; પરંતુ પરાશરનો આગ્રહભર્યો સંયમ તેને યાદ આપી રહ્યો કે તે પરણેલો હતો.

લગ્ન એક સામાજિક ગોઠવણ છે, વ્યક્તિગત સુખ-સંબંધ વચ્ચે આવવાનો તેને અધિકાર નથી, એવી માન્યતા ધરાવતી રંભાને પણ પરાશરના કથને ચમકાવી, અને તેનો હાથ છૂટી ગયો, કારણ ? પરાશરે કહ્યું :

‘હું તો પરણેલો છું.’

બારણા આગળ કોઈનો પગ ઘસારો બન્નેને સંભળાયો. બન્નેએ તે બાજુએ જોયું. કોઈ આવતું દેખાયું નહિ. બન્નેએ ધાર્યું કે રતન આવી પાછી જતી રહી હશે.