પૃષ્ઠ:Shobhana.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ


રતને બે ટંક પોષણ કર્યું. એમાં એણે ધણીના હાથનો માર ખાધો. પડોશીઓનાં મહેણાં સાંભળ્યાં અને નીતિભ્રષ્ટતાના આરોપો પણ ઓઢી લીધા. ચાલીનો એકેએક પુરુષ અને એકેએક સ્ત્રી નીતિની કસોટીમાં નિષ્ફળ નીવડે એમ હતું; પરંતુ તાજો દાખલો પાછલા પ્રસંગોને ભુલાવી દે છે; નવીન દૂષિતને જૂનાં દૂષિતો પાપી માને છે. ખરું જોતાં રતન દૂષિત હતી જ ક્યારે ? પરાશરે તો તેના દૂષણને જોયું નહોતું; ઊલટું રતનના હૃદયમાં રહેલી કોઈ અણદીઠ માનવતા પરાશરને થોડી ક્ષણોનું આશ્વાસન આપી શકતી હતી. એના ઉપર પોષણનો બોજો નાખવો એ ગરીબોના શોષણમાં વૃદ્ધિ કરવા સરખું હતું. એ શોષણ જોવા, એ શોષણને અનુભવવા અને એને દૂર કરવા પરાશરે મજૂરોનું રહેઠાણ પસંદ કર્યું હતું.

પરંતુ મજૂરોની મજૂરી હજી તેણે સ્વીકારી નહોતી. ભર તાપમાં બૉઈલરના અગ્નિને ખોરનાર, સવારથી સાંજ સુધી રૂની ઝીણને ફેફસાંમાં ઉતારનાર, સડકો ખોદી ગાડીઓના રસ્તા સુગમ કરી આપનાર, લાકડાં વહેરનાર અને ચીરનાર, તથા રાતદિવસ ઝીણા ઝીણા હુકમોમાં બાવરો બની ઘરનોકર તરીકે સતત ગુલામી ભોગવનાર - એ સર્વ પ્રકારના મજદૂરોની સ્થિતિ તેણે જોઈ હતી ખરી, પણ અનુભવી નહોતી. સેવા કરનારને, ક્રાંતિકારને, સુધારકને, પરમાર્થીને પણ ભૂખ લાગે છે. અને અર્થવાદી સમાજમાં તે કોઈનાયે નફા માટે કામ ન કરતો હોય તો તેની સેવા, તેની ક્રાંતિ, તેનો સુધારો અને તેનો પરમાર્થ કોઈનીયે કાળજીનો વિષય રહેતો નથી. આખું જગત કહી રહ્યું છે કે સેવાની જરૂર છે. ક્રાન્તિની જરૂર છે, સુધારાની જરૂર છે, પરમાર્થની જરૂર છે; પરંતુ સેવા, ક્રાંતિ, સુધારો કે પરમાર્થ અર્થશાસ્ત્રની મર્યાદામાં આવતા જ નથી. એટલે સેવા કરનારે, ક્રાંતિકારે, સુધારકે અને પરમાર્થી પુરુષે દેહને પોષણ આપવું હોય તો