પૃષ્ઠ:Shobhana.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬: શોભના
 

સમાજની અર્થવ્યવસ્થાના ચક્ર જોડે જોડાવું જ પડે છે.

પરાશર પણ એવા ચક્રમાં યોજાઈ ગયો હતો. તેણે પોતાની જરૂરિયાત એક સામાન્ય મજૂરની કક્ષાએ ઉતારી લીધી હતી. હિંદમાં એક માણસની રોજના દોઢ-બે આના પ્રાપ્તિ ગણાય છે - ગામડામાં કદાચ આટલી પ્રાપ્તિ પૂરતી થતી હશે - દુ:ખી જીવન ટકાવી રાખવા; પરંતુ શહેર તો રોજનો રૂપિયો માગી લે. પરાશરે રોજના રૂપિયા જેટલા ઉત્પત્રનું સાધન કરી રાખ્યું હતું. મજૂરીમાં તો તેને કોઈ રાખે નહિ, એટલે એક મહાસભાવાદી પત્રમાં લેખો લખવાનું તેણે માથે રાખ્યું હતું. માસિક ત્રીસ રૂપિયા તેને બસ થઈ પડતા. ચારપાંચ કલાક તે પત્રની કચેરીમાં બેસી લેખ લખતો, અને બાકીનો સમય જોવામાં, રખડવામાં, યોજનાઓ ઘડવામાં, સભાઓની મુલાકાતમાં તથા મજૂરોનો સંઘ સર્જવામાં ગાળતો હતો. દસ રૂપિયાની ઓરડી, દસ રૂપિયાનો ખોરાક, પાંચ રૂપિયાનું પરચૂરણ ખર્ચ અને પાંચ રૂપિયાનું ક્રાંતિખર્ચ. એ તેના હિસાબનાં ઉધાર પાસાં હતાં.

આટલું સાધન પણ હિંદમાં કેટલાંને મળે છે ? પરાશરને લાગતું કે તે સમાજ પાસેથી વધારે પડતું મેળવે છે. ગામડાંમાં તે ફરતો ત્યારે આથી અડધી રકમમાં તેને ચાલી શકતું; પરંતુ ગામડાનું અજ્ઞાન અતિ ઘન હતું. ખુલ્લે માથે ફરતી સેવિકા કે જરા હસતાં હસાવતાં સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ગ્રામજનતાની નીતિને અસહ્ય થઈ પડતાં હતાં. ગ્રામ યુવતી સાથે હસતા સ્વયંસેવકને લીધે ગ્રામજનતાએ પરાશર તથા તેના સાથીઓની સેવા જતી કરી હતી. એટલે તે શહેરમાં આવ્યો; પરંતુ એક નિશ્ચય કરીને તે આવ્યો. નીતિની પ્રચલિત માન્યતા ખોટી હોય તો પ્રયુક્તિ તરીકે તેને સ્વીકારવી જોઈએ, નહિ તો ઉદેશ અફળ જાય. બીજો નિશ્વય તેણે એ કર્યો હતો કે જેમની સેવા કરવી તેમની વચમાં જ રહેવું. તેમના જેવા જ બની જવું.

મજૂરોના જેવો એ બની શક્યો નહિ. બુર્ઝવા - મધ્યવર્ગીય સ્થિતિમાં જન્મ્યાનું એ પરિણામ હતું. ઘણ મારતા લુહારને એની મજૂરી જેવું હૃદય આપે તેવું લુહારની પડોશમાં રહેતા લહિયાને પારકી મજૂરી હૃદય ન જ આપે. છતાં સાન્નિધ્ય સમભાવ તો પ્રેરે જ, અને લહિયાનું કે પત્રમાં કૉલમો-ખાનાં-પૂરનારનું જીવન છેક મજૂરીને ન ઓળખે એવું તો ન જ કહેવાય. પત્રના માલિકો ખાસ સુંવાળા, ઉદાર, પરમાર્થ દૃષ્ટિવાળા કે દયાથી ભરેલા દેખાતા નહિ - પછી તે પત્રો રાજાઓ અને જમીનદારોના હિતનું રક્ષણ કરતાં હોય, ગાંધીજીના અહિંસાવાદનો પ્રચાર કરતાં હોય એ બંનેને તોડી પાડવા મથતા શોષિતોના નિઃશ્વાસને એકત્ર કરનાર સામ્યવાદી જ્વાલાથી