પૃષ્ઠ:Shobhana.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાંપડ:૮૩
 

જ્વલંત બનતા હોય.

પરાશરે એક મહાસભાવાદી પત્રમાં સ્થાન મેળવ્યું હતું, એ પત્ર માટે મહાસભાવાદને અનુકૂળ પડે એવું ઘણું તેને લખવું પડતું હતું. બેશક તે જાતે પોતાની ઢબે ચુસ્ત સામ્યવાદી હતો અને સામ્યવાદી પ્રચાર માટે તે નવરાશ મળતાં ઘણું લખતો પણ ખરો, પરંતુ સામ્યવાદી પત્રો અને પત્રકારો પાસે ધન બહોળું ન હતું. શોખ, મહેનત અને આદર્શ ઉપર જ સામ્યવાદી પત્રો ચાલતાં. તેમાં સામ્યવાદ સહુનો દુશ્મન મનાઈ બેઠો. એટલે પત્રોના પ્રચારમાં સ્વાભાવિક મળતી સહાય પણ અટકાવવાના પ્રયત્નો થયા કરતા હતા. ત્રીસ, રૂપિયાનો ખર્ચ મેળવી લેવા માટે પરાશરને મહાસભાવાદી પત્રના સેવક બનવું પડયું - અણગમતે.

આ મહિને તેણે ઓરડીનું ભાડું તો આપી દીધું હતું. ઓરડીના માલિકો ઉધારમાં માનતા જ નથી; પરંતુ રોજના ખોરાકનો પ્રશ્ન ઊભો હતો. ચાલીમાંથી આવનાર અજાણ્યા કે અર્ધજાણીતા માણસના ઉપર વિશ્વાસ રાખી મહિનાના બાકી રહેલા દિવસોમાં વગર પૈસે જમાડવાની વીશીના માલિકને સગવડ ન હતી. બે ટંક તો રતને તેને જમાડ્યો. હવે ?

ગાડી કે બસના પૈસા પણ તેની પાસે રહ્યા ન હતા. કુદરતે દીધા પગ ઉપર તેને ભારે શ્રદ્ધા હતી. મોટે ભાગે તે પગે ચાલીને લાંબાં અંતરો કાપતો. કોઈ પુસ્તક કે લેખ ઝડપથી વાંચી નાખવાની જરૂર પડે તો જ તે બસમાં બેસી જતો; એટલે તેની પણ બહુ ચિંતા ન હતી. માનવી પૈસો ભેગો કરવાની હાયવરાળમાં ભૂલી જાય છે કે વગરપૈસે ઘણાં ઘણાં કામો બની શકે એવાં હોય છે. તેની ઓરડી તે હાથે સાફ કરી નાખતો : તેનાં વસ્ત્રો તે હાથે ધોઈ નાખતો, તેની પથારી પણ તે હાથે કરી લેતો : ચા-કૉફીની ટેવ તેણે મૂકી દીધી હતી; પાણીની ગોળી ભરી લેતાં તેને બહુ વાર થતી નહિ. એટલે પાસે પાઈ પણ ન હોવા છતાં તેનાં કાર્યો અટકી પડે એવો ભય તેને હતો જ નહિ.

માત્ર વીશીવાળાનો ભય તેને માથે ઝઝૂમતો હતો. હાથે ૨સોઈ કરી લેવાનો પણ તેને એક વખત વિચાર આવ્યો. અને કદાચ તેની પાસે થોડી સરખી પણ રકમ હોત તો આજે તેમ કરવાનું ચૂકતો નહિ, પરંતુ સગડી, કોલસા, તવો, તપેલી અને લોટ લાવવા માટે તેની પાસે કશું જ સાધન ન હતું. ગામડાંમાં શાખ વહેલી જામે, શહેરમાં શાખનું નામ નહિ. અને રહે પણ શાના ઉપર ? ગરીબી, ધંધાનું અનિશ્ચિતપણું, નફાની લૂંટાલ્લુંટ અને સમાજબંધારણની વ્યક્તિ પ્રત્યેની ઉદાસીનતા આખા નાણાપ્રકરણને અસ્તવ્યસ્ત બનાવી રહ્યાં હતાં. બિચારો વીશીવાળો ક્યાંથી શાખ રાખે?