પૃષ્ઠ:Shobhana.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮: શોભના
 


‘રોટલીની ના પાડો છો અને હજી તો બેસી રહ્યા છો !’ બપોર થતાં રતને ઓરડીમાં આવી પરાશરને કહ્યું.

‘હું જાઉં છું; જતે જતે જમી લઈશ.’ પરાશરે કહ્યું.

‘ખાઓ, મારા સમ !’ રતનની માનવતા પરાશરના હૃદયને હલાવી રહી.

‘તારા સમ.’ પરાશરે કહ્યું.

'પૈસા તમારા ગયા, પણ હું તમને દસ દહાડા જમાડી શકીશ.’

'જરૂર નથી.'

‘પછી શું કરશો ?’

‘એટલા ઉધારનો મારે સંબંધ છે.' પરાશર જૂઠું બોલ્યો.

‘નહિ તો આ મારાં ચાંદીનાં જોડવાં છે. ચાર દહાડા ચાલશે. લઈ જાઓ ને ?'

રતનની માગણી સાંભળી ગાંધીજીના હૃદયપલટાની ઘેલી ભાવના પરાશરને યાદ આવી. ગાંધીવાદ ખરો તો નહિ હોય ?

પરંતુ વ્યક્તિગત હૃદયપલટો અને વર્ગનો હૃદયપલટો એ બે ભિન્ન તત્ત્વો હતાં. વર્ગથી સહજ અળગી પડેલી વ્યક્તિ સહૃદયતાના આકાશમાં ઊડી શકે છે. વર્ગમાં જકડાયલું વ્યક્તિત્વ - વર્ગમય બની ગયેલું વ્યક્તિત્વ તો હુલ્લડો કરે, યુદ્ધ કરે, બંધનરૂપ કાયદાઓ કરે, વર્ગવર્ચસ્વને મજબૂત બનાવે. તેમાંયે શોષિત વ્યક્તિ સુંવાળી હોઈ શકે; પરંતુ શોષનાર વ્યક્તિનાં હૃદય તો ઝેરથી ભરેલાં જ હોય - પછી ભલે મુખ ઉપર સંસ્કારની ચમક ચમકતી હોય.

‘ના, નહિ જોઈએ. હું આ ચાલ્યો.’

‘પાછા હુલ્લડમાં ન પડશો.'

‘સારું, પણ હું રાત્રે આવું તે પહેલાં અક્ષરો ઘૂંટી રાખજે. હો !’ પરાશરે કહ્યું, અને તે વીશી તરફ રવાના થયો.

વીશીના માલિકે પરાશરને પૂછ્યું :

‘કેમ ભાઈ ! આજે વાર થઈ ?'

‘કામ હતું.’

'અને આ શું વગાડ્યું ?’

‘કાલના હુલ્લડમાં જરા વાગ્યું.’

‘એવે વખતે બહાર ક્યાં નીકળ્યા ?'