પૃષ્ઠ:Shobhana.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૯૧
 

આવી રીતે તેના ઘણા પૈસા ડૂબ્યા હતા. એ ડૂબેલા પૈસા ભરપાઈ કરી લેવા માટે અને ભવિષ્યમાં ડૂબનાર પૈસાની ખોટ પ્રથમથી જ પૂરવા માટે એક કાબેલ નાણાશાસ્ત્રીની કળા વાપરી વીશીવાળો જદુરામ મહારાજ વધારે પૈસા મળે એવી ખાણાની રચના કરતો જ હતો. લેણદાર પહેલો હફતો પડ્યે વિવેક મૂકતો નથી. પરાશરે પહેલી જ વાર પૈસા ન આપ્યા.

જદુરામે કહ્યું :

'હરકત નહિ, ભાઈ ! તમારા પૈસા ક્યાં જવાના છે ? સાંજે લાવજો.'

‘કદાચ સાંજે નહિ તો કાલે લાવીશ.’

'હો હો, એમાં શું ? પણ પાછા સંભાળીને જજો. હુલ્લડ ગમે તે વખતે ફાટી નીકળે.' જદુરામને પરાશરના જીવનની ચિંતા હતી કે તેના બાકી રહેલા ત્રણ ચાર આાનાની ચિંતા હતી. તે આ શિખામણમાં સ્પષ્ટ થયું નહિ.

પરાશરની પાસે ગાડીમાં બેસવાના પૈસા ન હતા. લાંબા અંતરથી ગભરાવાની પરાશરને ટેવ ન હતી. ચાલતા જવામાં ઘણા દૃશ્યો જોવાનાં મળે છે. એ દૃશ્યો જોવામાં ન મળે ત્યારે ખૂબ એકાગ્ર વિચાર થઈ શકે છે, એવો પગે ચાલનારનો ગર્વભર્યો અનુભવ પરાશરને મોટે ભાગે થતો હતો. ગાડીમાં જવાના પૈસા ન હોવાથી પરાશરને જરાય અસંતોષ ન હતો.

રસ્તે ચાલતાં તેને દર વખતની માફક ઘણું જોવા-સાંભળવાનું પણ મળ્યું. રોજના જેટલી ગિરદી આજ ન હતી; કારણ ગઈ કાલના હુલ્લડે ઘણાં માણસોને ઘેરે બેસાડી રાખ્યા હતાં. છતાં દંડા લઈ ફરતા સિપાઈ, અડધી દુકાન ઉઘાડી બેઠેલા દુકાનદારો, ઝડપથી અવરજવર કરનાર નોકરિયાતો, અને અમે કોઈથી ડરતા નથી એવા ભાવથી રુઆાબમાં ફરતા દર ત્રીજે શબ્દ ગાળો બોલતા પોતાને ગુંડા મનાવવા મથતા કેટલાક ગુંડાવીરો રસ્તાને રોજ કરતાં જુદું જ સ્વરૂપ આપી રહ્યા હતા. માળાની બારીઓમાંથી સ્ત્રીઓ સહજ ઝાંખી જોતી હતી, અને ભૂલથી છજામાં દોડી આવેલાં બાળકોને ઓરડીમાં લઈ જવા મંથન પણ કરતી હતી. હિંદુ લત્તાઓમાં મુસલમાનો દેખાતા ન હતા, અને મુસ્લિમ લત્તાઓમાં હિંદુઓ દેખાતા ન હતા. જે થોડા ઘણા દેખાતા હતા તે ઉતાવળા, બાવરા, અગર પરવા વગરના હોવાનો દેખાવ કરનારા હતા. જોકે સહુના મુખ ઉપર ખુલ્લી કે છૂપી વ્યગ્રતા તો દેખાતી હતી.

આ પ્રજાને સ્વરાજ્યનો શોખ લાગ્યો છે એમ કહેવાતું હતું ! હિંદુઓ કહે છે : અમે હિંદનું સ્વાતંત્ર્ય ચાહીએ છીએ. મુસ્લિમો કહે છે : અમે હિંદસ્વાતંત્ર્યની ઈચ્છામાં હિંદુઓથી આગળ રહીએ એવા છીએ !