પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ

કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. 'જયભિખ્ખુ' પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી, જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે.

‘જયભિખ્ખુ' જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને 'કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ' માં ઇસ્લામ અને 'પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે.

‘જયભિખ્ખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે.

તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન