પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહારાજે કહ્યું : 'આજ શોક કરવાની વેળા નથી. માતા મીનલદેવી મારા આ નશ્વરદેહ કરતાં મારા ચિરંજીવ કીર્તિદેહનાં પૂજારી હતાં. મારે માલવાની જીતનો જ વિચાર કરવાનો છે. અને માતા મીનલદેવીનું સાચું શ્રાદ્ધ પણ એ જ છે !'

ત્યાં વળી આજે નવા સમાચાર આવ્યા :

'માલવપતિ નરવર્મા ગુજરી ગયો. નવા માલવપતિ તરીકે યશોવર્મા આવ્યો છે.'

'ઓહ ! જેની સાથે વેર હતું, એ પણ ચાલ્યો ગયો ! મહારાજ સિદ્ધરાજના હૃદય પર બીજો ઘા થયો.

સવાલ એ થયો કે હવે શું કરવું ?

લશ્કરમાં ચણભણાટ શરૂ થયો. લાંબા વખતના ઘેરાથી બધા કંટાળી ગયા હતા. પરદેશનાં હવાપાણી ને ખાનપાન હવે માફક આવતાં નહોતાં.

એ વખતે બધી વર્ણ હથિયાર બાંધતી અને યુદ્ધે ચઢતી. સેનામાં કેટલાક ખેડૂત હતા. ખેતી મૂકીને આવ્યા હતા. વણિક યોદ્ધાઓના વેપાર ખોટી થતા હતા; કોઈને ઘર સાંભરતાં હતાં, તો કોઈને બાળબચ્ચાં ! મન છે ને !

અને ખુદ રાજા પણ રાજધાનીમાંથી આટલો વખત ગેરહાજર રહે, તો પાછળ કંઈ કંઈ કાંવતરાં જન્મે ! જોકે ગુજરાતનાં એ સદ્'ગાભાગ્ય હતાં કે એના મંત્રીઓ સ્વામીભક્ત હતા. જે દહાડે એ ભક્તિમાં ઓટ આવી, એ દહાડે ગુજરાતની ધજા નમી જાણો.

મહારાજના મગજ પર અનેક જાતના પ્રવાહો આવી-આવીને અથડાવા લાગ્યા હતા.

કેટલાક નમાલા લોકો કહેવા લાગ્યા કે આપણને શકન સારાં થયાં નથી. જુઓ ને, માતા મીનળદેવી ગુજરી ગયાં, જેને ચરણે આ વિજય ધરવાનો હતો. અને જુઓ ને, માલવપતિ નરવર્મા ગુજરી ગયો, જેની ચામડીનું મ્યાન કરવાનું હતું ! ચાલો પાછા ! વળી સારાં શુકન લઈને ફરી આવીશું.'

કોઈએ વળી અગમ-નિગમ ભાખનારની ઢબે કહ્યું : 'હમણાં શનિની પનોતી છે. વિજયની આશા કઠણ છે.'

૮૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ