પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ બધાની સામે મહારાજાએ પડકાર કર્યો : ખબરદાર, જો કોઈ માણસે મારા બહાદુર સૈનિકોને વહેમમાં નાખ્યા છે તો ! પીઠ બતાવવી પાટણપતિ માટે શક્ય નથી. અલબત્ત, કાયરો ઘરભેગા થઈ જાય. ભલે મૂઠીભર માણસો બાકી રહે. મારા એ બહાદુરો હારને જીતમાં પલટી નાખશે'

સિદ્ધરાજ વેશ પલટીને લશ્કરમાં ફરવા લાગ્યા; દરેકની વાતો સાંભળે. આમ એમને બે મોરચે લડત શરૂ કરવી પડી : એક મનના મોરચે અને બીજી માલવાના મોરચે. એક જવાબદાર વ્યક્તિને એમણે એક દહાડો બોલતી સાંભળી :

'અરે ! જેની ચામડીનું મ્યાન કરવાનું હતું, એ ધારાનગરીનો નરવર્મા તો મરી ગયો. હવે લડીને શું ? પછી સીંદરી બળી જાય, પણ વળ ન મૂકે, એનો અર્થ કંઈ નહિ ! માણસ આગહી હોય એ ઠીક છે, પણ હઠાગ્રહી સારો નહિ !'

મહારાજ સિદ્ધરાજને આ વાતોએ ભારે દિલગીર બનાવ્યા. એમણે બપોરે દરબાર ભર્યો, અને સહુની સામે કહ્યું.

‘હું જરાય શરમ રાખ્યા વગર કબૂલ કરું છું કે સીંદરી બળી જાય, પણ વળ ન મૂકે એનું નામ સિદ્ધરાજ. કાં વિજય, કાં મોત ! સિદ્ધરાજ માટે ત્રીજો માર્ગ નથી. જેને પાછા જવું હોય એ જાય. હું તો અહીં જીવન અર્પણ કરવા આવ્યો છું. હું હઠાગ્રહી છું, પણ મારી હઠ પાછળ કોઈને હેરાન કરવા માગતો નથી.'

લશ્કરમાંથી પોકાર આવ્યો : 'અમે નિમક્કલાલ છીએ. પાછા ફરવાની વાત કોણ કરે છે ?

મહામંત્રી કેશવે ખડા થઈને કહ્યું.

'રણક્ષેત્રમાં પીઠ બતાવીને ગુર્જર સૈનિકો ઘેર જશે, તો ગુજરાતણો એમને કપાળે મેશના ચાંલ્લા ચોડશે, અને છતે પતિએ પોતાને વિધવા માનશે ને ચિતા જલાવી બળી મરશે. પણ એક વાત કરું : આ યુદ્ધ બળનું નહિ કળનું છે. અમે કર્મસચિવો ખાંડાનો ખેલ ખેલી જાણીએ. પણ અહીં કળની જરૂર છે. મતિસચિવ મુંજાલ કંઈક માર્ગ કાઢે !'

મુંજાલ મંત્રી તરત સભામાં ઊભા થયા ને બોલ્યા :

'મને ટૂંક મુદત મળે. મહામંત્રી કેશવરાયની સૂચના મહત્ત્વની છે. મારાથી

યાહોમ કરીને પડો ᠅ ૮૯