પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અને આકાશમાંથી મેઘગર્જના થાય, વીજળીના કડાકા થાય, એમ દરવાજો તૂટ્યો-કડડભૂસ કરતો જમીન પર પડ્યો !

મહામંત્રી મહાદેવે ભયંકર રણગર્જના કરતાં કહ્યું : મહારાજ ! લડાઈમાં પહેલો મરે જેમ ઊંટ, એમ પહેલો લડે મંત્રી. મંત્રી ઊંટ ને રાજા હાથી. મંત્રીનું ગમે તે થાય, પણ રાજાને ઊની આંચ આવવી ન જોઈએ !

મહામંત્રી મહાદેવે પોતાની સેના સાથે ભયંકર યુદ્ધ આપતાં કિલ્લામાં પ્રવેશ કર્યો, પણ સિદ્ધરાજ પાછળ રહે એવો રાજા નહોતો ! એણે આગેવાની લીધી. ખરાખરીના ખેલ ખેલાવા લાગ્યા.

લડાઈ ભયંકર જામી.

માલવી યોદ્ધાઓ ગોઠણભેર થઈને લડવા લાગ્યા. ગુજરાતી યોદ્ધાઓ નિરાશાથી ને નામોશીથી બચવા માગતા હતા. મરવા કે મારવા સિવાય એમના ચિત્તમાં કંઈ નહોતું !

ભયંકર યુદ્ધ જામ્યું. ત્યાં મહામંત્રી મુંજાલ પાછળથી હલ્લો લઈ આવ્યા : 'જય ગુર્જરેશ્વર !'

'જય સોમનાથ !' આ તરફથી મહારાજ સિદ્ધરાજ અને મહાદેવ મંત્રી આવી ગયા. બંનેની વચ્ચે માલવસેના ઘેરાઈ ગઈ.

કટોકટીનું યુદ્ધ જામ્યું.

કોઈ કોઈથી ઓછું ઊતરે એમ નહોતું. પણ ગુજરાતી યોદ્ધાઓનાં જિગર આળાં હતાં. એમને આજે પાછો પગ દેવાપણું નહોતું.

કાં ફતેહ,કાં મોત !

લડાઈ સવારથી સાંજ સુધી ચાલી !

જે ભાટ-ચારણો લડાઈના મેદાનમાં હતા, એ હેવા લાગ્યા કે શૂરાઓને લેવા સ્વર્ગની સુંદરીઓ આવી છે. બધી સુંદરીઓ જોઈ રહી છે કે કોણ વધુ શૂરવીર છે ? કોણ વધુ પરાક્રમી છે? કોણ પાછો પગ દેતો નથી? અને એવા-એવા શૂરવીરોને શોધીને પછી તેઓ વચ્ચે ખેંચાખેંચી ચાલે છે. એક કહે, હું આને વરું બીજી કહે, હું આને ! અપ્સરાઓનાં મોં આવા ક્લહથી રાતાચોળ થઈ ગયાં છે ! એ માં જોઈ સૂરજ પણ શરમાઈ ગયો છે, ને ખીરસાગરમાં ડૂબી રહ્યો છે !

યા હોમ કરીને પડો ᠅ ૯૩