પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ ગુજરાતના તાબામાં આવ્યાં હતાં. દૂર-દૂર સુધી ગુજરાતનો કીર્તિધ્વજ લહેરિયા લેતો હતો. ગુજરાતની સીમા આજ વિશાળ થઈ હતી, ને મહારાજ સિદ્ધરાજ ચક્રવર્તી થયા હતા.

નાગર મહાઅમાત્ય દાદાકના મહાન પુત્ર મહાદેવને માળવા ભળાવી, રાજા સિદ્ધરાજ દડમજલ કૂચ કરતા પાટણ આવતા હતા.

એ ક્યાંય રોકાતા નહોતા.

માતા મીનલદેવીની યાદ એ ભૂલી શક્યા નહોતા. યુદ્ધ માટે વજ્ર જેવું બનાવેલું હૈયું હવે પાણી-પોચું બન્યું હતું. લાગણીનાં વાદળો અવારનવાર ઊભાં થતાં ને વરસી જતાં. પોતાનો શોક યુદ્ધે, કવિએ ને વિદ્વાનોએ ઓછો કર્યો હતો, પણ અંતરમાં હજી શોક અને કોપ બંને ભર્યા હતા.

એ કોપ બધો માળવાના બંદીવાન રાજા યશોવર્મા પર તોળાઈ રહ્યો હતો : એણે જો કાર્યમાં વિલંબ ન કર્યો હોત, તો મરતી માતાનું મોં ભાળી શક્યો હોત; બે વચન શ્રવણ કરી શક્યો હોત. માતાના સુકાતા હોઠ પર ગંગાજળ રેડી શક્યો હોત !

પાટણ પહોંચતાં જ દરબાર ભરવાનો હતો; વેરની વસૂલાત કરવાની હતી.

પાટણ વિજયોત્સવમાં ઘેલું બન્યું હતું. આજે જે ગૌરવ ગુજરાતને મળ્યું હતું, એ પહેલાં કદી મળ્યું નહોતું.

આખું નગર શણગારવામાં આવ્યું હતું. ઇંદ્રની અમરાપુરીની યાદ આપે એવું પાટણ થઈ ગયું હતું.

પટ્ટણી વીરોનો જુસ્સો આજે જુદો હતો. આજે એમની તાકાતને જાણે દુનિયા નાની પડતી હતી. પાટણની સુંદરીઓનો ઠસ્સો પણ ઓર હતો. ઘરઘરમાં આનંદ છવાયો હતો. વર્ષોના વિયોગ પછી આજે બાપ બેટાને, ભાઈ બહેનને અને પતિ પત્નીને મળતાં હતાં.

માળવા ખંડિયું રાજ બન્યું હતું. એનો તમામ ખજાનો હાથ કરવામાં આવ્યો હતો, ને તે હાથી, ઘોડા, ઊંટ ને ગધેડાં પર લાદીને અહીં લાવવામાં આવતો હતો.

૯૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ