પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હીરા-માણેક, રત્ન-મોતી ને સોના-રૂપાંનો તો સુમાર નહોતો. પણ સિદ્ધરાજ માત્ર વીર જ નહોતા, વિદ્યાશોખીન પણ હતા. નાનપણથી જવાબદારી માથે આવી હતી, એટલે વિદ્યાગુરુનાં ઝાઝાં પડખાં એ સેવી શક્યા નહેતા, છતાં વિદ્યાના સંસ્કરો એમણે ઝીલ્યા હતા.

એટલે માળવાના રાજભંડારો સાથે જ્ઞાનભંડારો પણ પાટણમાં લાવવામાં આવ્યા હતા.

પાટણનો આજનો શણગાર કંઈ અપૂર્વ હતો.

'ઊંચાં શિખરવાળાં મંદિરોમાં સુવર્ણઘંટ ગાજતા હતા, જેના અવાજ બાર-બાર ગાઉ સુધી સંભળાતા હતા.

ઇષ્ટદેવોની આરતીઓ ઊતરતી હતી, ને પ્રાર્થના મંદિરોના વિશાળ ગુંબજોને ભેદતી હતી. ક્યાંક, દાન, ક્યાંક ગાન ને ક્યાંક નાચરંગ ચાલતાં હતાં. એકબીજા-એકબીજાનાં મોંમાં પરાણે મીઠાઈઓ મૂકીને ગળ્યાં મોં કરતા હતા ને ઉપર પાટણની નગરસુંદરીઓ પાનનાં બીડાં આપતી હતી.

વાહ ! આ એક દહાડાનો આનંદ જેણે માણ્યો, એનું જીવ્યું પ્રમાણ !

પ્રાસાદો, રાજભવનો અને હવેલીઓ દીપમાળાઓથી ઝાકમઝોળ બની હતી. રાતે જાણે દિવસનો વેશ લીધો હતો. પાટણનો અકેક મહોલ્લો એક-એક ગામ જેવો હતો. અને એની શોભા અપૂર્વ બની હતી.

મહારાજ સિદ્ધરાજે જ્યારે નગરપ્રવેશ કર્યો, ત્યારે તેમનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું.

પુરસુંદરીઓએ લળી-લળીને રાજાને મોતીડે વધાવ્યા.

રસ્તા, ચોક ને ઘરોએ તો અપૂર્વ શોભા ધારણ કરી હતી. છતાંય માતાનો શોક હોવાથી મહારાજાએ સ્વાગતમાં સંયમ રાખવાનો આદેશ આપ્યો હતો.

પટ્ટણીઓની પ્રેમ-વર્ષામાં નાહતા મહારાજા રાજમંદિરે આવ્યા. આ એક દહાડાના આનંદે લડાઈનો તમામ થાક ઓગાળી નાખ્યો.

એ રાતે સર્વપ્રથમ શોકસભા ભરવામાં આવી. બાહ્મણ પંડિતો, પુરોહિતો અને જૈન વિદ્વાનોએ શોક ઓછો થાય એવાં વચનો કહ્યાં. સંસાર તો અસાર ને સારમાં માત્ર કિર્તિ-એમ કહ્યું.

અવંતીનાથ સિદ્ધરાજની ઉદારતા ᠅ ૯૭