પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


બર્બરકજિષ્ણુ, અવંતીનાથ સિદ્ધરાજ, આ બધું છતાં, એક વાર ખુલ્લા મોંએ રડ્યા. સ્વજન મળતાં હૈયાસાગરની પાળ તૂટી ગઈ.

મહારાજાએ માતાને અંજલિ આપતાં કહ્યું :

'મારા તમામ વિજયો મારી મહાન માતાને આભારી છે. મારી તમામ કીર્તિ એને ચરણે છે. હું એવી સદ્ગુણી ને સતી માનો લાયક પુત્ર થાઉં, એટલું ભગવાન સોમનાથ પાસે યાચું છું !'

નગરના અનેક આગેવાનો આવ્યા હતા. તેઓએ મહારાજાને શોક કરતા વાર્યા, ને કહ્યું :

'જે જાયું તે જાય, પણ સંસારમાં જશ લઈને જે જાય, એનું ગયું પ્રમાણ. રાજમાતાનું જીવન અને મૃત્યુ બંને ઉજ્જવળ છે ! તેઓએ સિદ્ધસરોવર કરાવતાં જળરૂપી જગજીવનપ્રભુની સેવામાં દેહ તજી દીધો છે : ને આજે સરોવર તો જુઓ : સાગરની શોભા થઈ છે. અહીં હવે સ્ત્રી-પુરુષો બબે વાર સ્નાન કરે છે !'

મહારાજા મોડે સુધી બેઠા. ધીરે-ધીરે શોક ઓછો થતો ગયો.

બીજે દિવસે મધ્યાહ્ને રાજદરબાર ભરવાનો હતો. એમાં માળવાના રાજાને સજા, અને માળવાના યુદ્ધમાં મદદ કરનારને ખિતાબ, ઇનામ અને હોદ્દા આપવાના હતા !

એ દરબાર અલૌકિક હતો. ગુજરાત આજે બેનમૂન રાજ હતું.

દેશ-દેશના એલચીઓ દરબારમાં હાજર હતા.

સૌપ્રથમ માળવાના યુદ્ધમાં વિજયના નિમિત્ત થનાર મહામંત્રી મુંજાલનું બહુમાન કરવામાં આવ્યું. પછી બીજા જે જે સરદારો, સામંતો ને સૈનિકોએ બહાદુરી બતાવી હતી, એમને નવાજવામાં આવ્યા !

આ પછી મહારાજાએ માલવપતિ યશોવર્માને હાજર કરવાનો હુકમ કર્યો.

આ વખતે મહારાજના શાંત મોં પર કોપની રેખાઓ તણાઈ આવી. પોતાની પ્રતિજ્ઞાનું વાક્ય યાદ કરતાં એમણે કહ્યું :

'માલવપતિને ભયંકરમાં ભયંકર સજા થવી ઘટે. મારાં પૂજનીય માતા મેં એને કારણે ખોયાં છે ! મરતી વખતે એમના ચરણનો સ્પર્શ પણ ન કરી શક્યો. એટલે મારો કોપ બમણો છે !'

૯૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ