પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ વખતે એક વ્યકિત યાદ આવી. એનું નામ આચાર્ય હેમચંદ્ર! એક વાર માર્ગમા, જ મિલાપ થયેલો, પહેલી જ મુલાકતે એ તેજસ્વી સાધુમૂર્તિએ એમનું મન ખેંચેલું.

પગ ઉઘાડા, માથું ઉઘાડું, શરીર ફક્ત બે ચીવરથી ઢાંકેલું.

હાથમાં દંડ ને ચાલમાં ગૌરવ !

બીજની ચંદ્રરેખા જેવી લલાટ પર કાંતિ !

એણે મને જોતાં જ કેવા આશીર્વાદ આપેલા ?—

'હે કામધેનુ ! તું તારા ગોમય રસથી આ ભૂમિને તૃપ્ત કર !

'હે સાગરદેવ ! તું તારા મોતીગણોથી અહીં સ્વસ્તિક રચ !

'હે દિગ્ધાળો ! તમે તમારી લાંબી સૂંઢથી કલ્પવૃક્ષનાં પાંદડાં તોડી તોરણ રચો,

'કારણ કે સંસારવિજયી સિદ્ધરાજ આવે છે !'

ઓહ ! મારા વિદ્યા-વિજ્યમાં કોઈ મદદ કરી શકે તો એ કરે ! મારા વફાદાર મંત્રીઓ, વીર સુભટો અને કુશળ સેનાપતિની આમાં ગતિ નથી.

અને મહારાજ સિદ્ધરાજના કાને સહસ્ત્રલિંગ સરોવરની પાળે કોઈ ગાતું સંભળાયું. એ દુહા હતા. અપભ્રંશ ગુજરાતીના દુહા હતા.

પુત્તે જાયેં કવણું ગુણુ, અવગુણુ કવણુ મૂએણ ?
જા બપ્પીકી ભૂંહડી, ચંપીજઈ અવરેણ ?

એ પુત્રના જન્મથી શો સાર ? અને મૃત્યુથી શો શોક ? જેના જીવતાં પિતૃભૂમિ પારકાના હાથે ચંપાય ?

જો ગુણ ગોવઈ અપ્પણા, પયડા કરઈ પરસ્સુ,
તસુ હઉં કલિ-જુગી દુલ્લહો, બલિ કિજ્જઉં સુઅણસ્સુ !

જે પોતાના ગુણ ઢાંકે, અને પારકા ગુણ પ્રગટ કરે, તેવા કલિયુગમાં કવચિત મળતા પુરુષને મારાં વંદન !

પાઈ વિલગ્ગી અંત્રડી, સિરુ લ્હસિઉં ખંધસુ
તો વિ કટારઈ હથ્થડુ, બલિ કિજ્જઉં કંતસુ.

ગુજરાતી ભાષાના ઘડવૈયા ᠅ ૧૦૫