પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આચાર્યશ્રીએ કહ્યું :

'એક સુંદર વ્યાકરણ તૈયાર કરવું, એને યોગ્ય અનુપમ સાહિત્ય સરજવું અને આ દેશને સંસ્કાર અને સાહિત્યથી ઘડવો, એ મારું સ્વપ્ન હતું. આજ તમારી મદદથી સ્વપ્ન સાકાર થાય છે !'

આચાર્યશ્રી ભાવમાં હતા. થોડીવારે આગળ બોલ્યા :

'હું મારી તમામ શક્તિઓ એમાં અર્પી દેવા તૈયાર છું. ગુજરાતને ગામે-ગામે ને શહેરે-શહેરે સરસ્વતી વહેતી જોવાની મારી ઝંખના છે. સંસારમાં પહેલું અમૃત વિદ્યા છે.

'વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોશ અને ન્યાયશાસ્ત્ર વગેરે તૈયાર કરવા હું આજથી આસન જમાવીને બેસી જઈશ. કેટલીક સામગ્રી મારી પાસે છે. કેટલીક કાશ્મીર વગેરે દેશોમાંથી મંગાવવી પડશે.'

'આજ્ઞા આપો એટલી વાર છે. મારા એલચીઓ તૈયાર છે. આ પ્રશ્નને હું લડાઈ જેવો તાકિદનો પ્રશ્ન માનું છું.' મહારાજા સિદ્ધરાજે પોતાના સ્વભાવ મુજબ ક્હ્યું.

એ જ સાંજે એલચીઓને આજ્ઞા આપી દેવામાં આવી. હાથી, ઘોડા કે રથને તૈયાર કરવામાં આવ્યા. ગ્રંથો લાવતાં માર્ગમાં વિઘ્ન ન થાય તે માટે લશ્કરી ટુકડીઓ સાથે આપવામાં આવી. તે તે દેશો પર પત્રો લખી આપવામાં આવ્યા.

એલચીઓ તાબડતોબ કાશ્મીર તરફ રવાના થયા.

આ તરફ પાટણના ઉપાશ્રયમાં અનેક લહિયાઓ લખવા બેસી ગયા. એક તરફ પત્ર તૈયાર થવા લાગ્યાં. બીજી તરફ શાહીઓ ઘૂંટાવા લાગી.

આચાર્યશ્રીના મુખમાંથી સરસ્વતીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો. બોલનાર એક અને લખનાર દશ-વીસ જણા ! કામ છએક મહિના ચાલ્યું હશે, ત્યાં કાશ્મીર તથા અન્ય દેશોમાંથી ગ્રંથો આવી ગયા.

કામમાં વેગ આવ્યો. સમય મળતાં મહારાજ સિદ્ધરાજ આવીને એક ખૂણે શાંતિથી બેસતા અને બધી પ્રવૃત્તિ નિહાળતા. આથી કામ કરનારાઓનો ઉત્સાહ બમણો વધતો.

વ્યાકરણ લગભગ રચાઈ જવા આવ્યું. એનાં અનેક પ્રકરણો તૈયાર થઈ ગયાં. એની બીજી નકલો પણ તૈયાર થઈ ગઈ.

ગુજરાતી ભાષાના ઘડવૈયા ᠅ ૧૦૭