પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દેવ. એ દેવની પ્રીતિ માટે તો મીનલદેવી ગુજરાતે ઊતર્યાં. એ દેવની પ્રીતિ માટે બોતેર લાખનો કર માફ કર્યો.

પણ રાજા તો તમામ પ્રજાનો. પ્રજા એક ધર્મ પાળે એવું કદી ન બને. પ્રજા અનેક ધર્મ પાળે. એ ભલે પોતાનો ધર્મ પાળે, પણ પડોશી ધર્મ તરફ ઉદાર ભાવ રાખે.

રાજાએ પણ પોતાનો ધર્મ પાળવાનો ને બીજા ધર્મોને ભલી નજરથી જોવાના : એક આંખે જોવું રાજાને ન શોભે.

શૈવ પોતાનો ધર્મ. શિવમંદિરમાં સદા જાય; પણ એથી વિષ્ણુ મંદિર પર દ્વેષ એવું નહિ !

વૈષ્ણવો સિદ્ધરાજમાં વિષ્ણુનો અંશ ભાળે !

અનેક શૈવ કે વૈષ્ણવો પર ભાવ, એટલે જૈનો પર દ્વેષ એવું પણ નહિ. સોરઠના મંત્રી સજ્જન મહેતાએ ગિરનાર પર દહેરાં બાંધ્યાં, રાજના પૈસે બાંધ્યાં, તોય એને મંજૂરી આપી. અને અનેક લોકોના વિરોધ છતાં કાપડી વેશે પોતે શત્રુંજયની યાત્રા કરી.

ધર્માંધ લોકો જ્યારે આડીઅવળી વાતો કરે ત્યારે મહારાજા સિદ્ધરાજ કહે,

'જે શાંતિ-સંતોષથી ને પડોશી સાથે પ્રેમથી રહે, એ ખરી પ્રજા, એ ખરો નાગરિક. મારા માટે તો શૈવ, વૈષ્ણવ કે જૈન સૌ સમાન છે. મારી પ્રજામાં તો મુસલમાન પણ છે. જે આ ભૂમિને વફાદાર રહે, પોતાને આ દેશનું સંતાન માને, અને શાંતિથી પોતાના ઇષ્ટદેવને પૂજે એ મારી પ્રજા-એ મારા રક્ષણની અધિકારી !

'નાગર અને જૈનો મારી બે આંખો છે. એ બંને વર્ગના લોકો મારા રાજના મંત્રીઓ છે. હું કઈ આંખને રાખું ને કોને ફોડું ?

'રજપૂતો મારી બે ભુજાઓ છે : કોઈ શૈવ છે, કોઈ વૈષ્ણવ છે. કઈ ભુજા રાખું અને કઈ કાપું?

'શૂદ્રો તો મારા પગ છે. પગ નબળા હોય તો આખું શરીર નબળું ! મારા પગ હું કાપું એવો મૂર્ખ નથી.

'મારે કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, વર્ણ નથી. મારી પાસે તો એક પિતાની પ્રજા જેવી આ પ્રજા છે.

'પ્રજા કાળી-ગોરી હોય. પ્રજા બળવાન-નિર્બળ હોય; પ્રજા ઊંચી-નીચી

સર્વ ધર્મ સમાન ᠅ ૧૧૩