પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હોય : બાપની નજર બધા પર સમાન.'

છતાં દીકરાઓમાં ખટપટ ચાલે એ મનુષ્યસ્વભાવ છે. જ્ઞાન ઓછું હતું ત્યારે એક ધર્મ હતો-પ્રેમ અને આતિથ્યનો. જ્ઞાન વધતાં વિવાદ વધી ગયા.

શૈવો કહે : 'મારો ધર્મ મોટો. સંસારના દેવ તો મહદેવ !

વૈષ્ણવો કહે : 'વિષ્ણુ મહાન, વૈષ્ણવ થયા વિના વૈકુંઠ કેવું ?'

જૈનો કહે : 'ખરા દેવ તો વીતરાગ ! એ દેવની ઉપાસના કરનારનું કલ્યાણ થશે. બીજા નરકે જશે.'

મુસલમાન કહે : 'એક અલ્લા; એ સિવાય બીજા દેવ નહિ !'

આવા વાદવિવાદ રોજ ચાલ્યા કરે. નબળા મનના લોકો લડે પણ ખરા !

એક દહાડો કેટલાક ટીખળી લોકોએ કારસો ગોઠવ્યો. તેઓએ મહારાજને કહ્યું કે અમે સાચો ધર્મ ક્યો, ને કયો ધર્મ અમારે પાળવો એ જાણવા માગીએ છીએ.

આવી બાબતમાં મહારાજની નજર વિદ્યાગુરુ આચાર્ય હેમચંદ્ર પર જ પડે.

મહારાજાએ તેમને તરત પ્રશ્ન કર્યો :

આચાર્યવર ! કયો ધર્મ પાળવાથી કલ્યાણ થાય ?'

બધાએ માન્યું કે આચાર્યશ્રી જૈન ધર્મનું નામ દેશે, કારણ કે પોતે તે ધર્મ પાળે છે. પણ એમ કરવાને બદલે તેઓએ તો એક વાર્તા કહેવી શરૂ કરી-જાણે નાનાં બાળકોને સમજાવવા માંડ્યાં.

વાર્તા શરૂ કરતાં કહ્યું :

એક શેઠ હતો, એને એક પત્ની હતી. બંને સુખે રહેતાં હતાં.

પણ ન જાણે કેમ, શેઠે પહેલી પત્નીને છોડી દીધી ને જઈને બીજી પત્ની પરણી લાવ્યો.

પહેલી પત્ની ખૂબ રોષે ભરાઈ. એણે પતિને વશ કરવા માટે અનેક જાતના યત્નો કરવા માંડ્યા. પતિ તાબે થયા, પછી શોક્યને તો ઘડીના છઠ્ઠા ભાગમાં જોઈ લેવાશે !

એક દિવસ ગૌડ બંગાળાનો એક માણસ આવ્યો. એ જાદુ અને કામણ-ટુમણ જાણતો હતો. એણે બાઈને કહ્યું :

'મારી પાસે અજબ હિકમત છે. તારા પતિને દોરી બાંધીને તું ઘેરે તેવો બનાવી દઉં તો ?

૧૧૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ