પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાઈ ખૂબ રાજી થઈ ગઈ. એ કહે : 'તું માગે તે આપું. બસ, મારે એ જ જોઈએ છે.'

પેલા મંત્રવાદીએ એક ઔષધ, અને એક મંત્ર આપ્યાં. ઔષધ ખવરાવવાની રીતિ બતાવી. મંત્ર ભણવાની તિથિ દર્શાવી.

બાઈએ ક્ષયતિથિવાળા દિવસે પતિને પૂજા માટે બોલાવ્યો. સતી સ્ત્રી આવા દિવસે પતિને પૂજ્યા વિના પાણી પણ પીએ નહિ, પતિને ખવરાવ્યા વિના ખાય નહિ ! પતિ જમવા આવ્યો. એણે તો પાંચ પકવાન રાંધ્યાં. થાળી પીરસી. ધીરેથી પેલું ઔષધ ભોજનમાં નાખી દીધું.

પતિ જમવા બેઠો. પત્ની વીંઝણો લઈને પાસે બેઠી. એ મંત્ર ભણતી જાય ને વીંઝણો ઢોળતી જાય !

થોડીવારમાં એના પતિને માથા પર ખણ આવવા માંડી.

અંદરથી કંઈક અણીદાર બહાર નીકળવા માંડ્યું.

પતિએ પત્નીને કહ્યું : 'અરે સુલક્ષણે ! આ શું થાય છે ?'

પત્નીએ આંખ બંધ રાખી, મુખેથી મંત્ર ભણતાં કહ્યું: 'એ તો જેવાં તમારાં લક્ષણ હશે એમ થતું હશે.'

પુરુષે જોયું તો માથા પર બે શીંગડાં ઊગેલાં. હજી એ આશ્ચર્યનો વિચાર કરે છે, ત્યાં પૂંઠે ખણ ઊપડી, ને ખણ્યું તો કંઈક દોરડા જેવું હાથ આવ્યું ! ખેંચ્યું તો લાંબુ લચરક !

થોડીવારમાં તો પીઠ પાછળ પૂંછડું ઊગી આવ્યું ! અરે, માણસ અને વળી શીંગડા ને પૂંછડું !

પુરુષે કહ્યું : 'અરે સુલક્ષણે ! જો તો ખરી, આ શું થાય છે ?'

પત્ની કહે : 'એ તો જેવાં તમારાં લક્ષણ હશે એમ થતું હશે.' એ વીંઝણો ઢોળતી હતી, મંત્ર ભણતી હતી. એની આંખ બંધ હતી.

થોડી વારમાં ઊંચું નાક ખેંચાતું હોય એમ ખેંચાણું ને અંદર બેસી ગયું. બેઠેલું મોં લાંબું લચ થઈ ગયું.

અને ખાધું થોડું પણ પેટ વધુ ફૂલવા લાગ્યું. પહેલાં ગાગર જેવું થયું. પછી ગોળા જેવું થયું ને પછી કૂવાના કોસ જેવું થઈ રહ્યું !

પતિએ કહ્યું : 'અરે સુલક્ષણે ! આ મને શું થાય છે ?'

સર્વ ધર્મ સમાન ᠅ ૧૧૫