પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગામના સારા-સારા માણસો એમાં ભાગ લેતા. રાજા પોતાના દરબારમાં ભજવૈયાને અને બજવૈયાને ખેલ માટે બોલાવતા. રાજા રાજમહેલમાં નાટકશાળા રાખતા. એ ચિત્રશાળા કહેવાતી. સામાન્ય રીતે રાજાઓ બહાર ખેલ જોવા ન જતા. પ્રજામાં બહુ ભળવામાં ન માનતા. દૂર-દૂર રહેવામાં મોટાઈ માનતા.

પણ મહારાજ સિદ્ધરાજ જુદી ખોપરીના હતા, સહુથી જુદા સ્વભાવના હતા. પ્રજામાં જેટલું હળી-ભળી શકાય તેટલું સારું એમ માનતા.

લડાઈઓ ખૂબ લડ્યા. એ જાણતા હતા કે લડાઈથી સંપત્તિ વધે, પણ પ્રજામાં સુખ ન વધે. પ્રજાના સુખ માટે પ્રજાના પ્રશ્નો જાણવા જોઈએ; પ્રજાનાં સુખદુ:ખની ખબર રાખવી જોઈએ. આ બાબતમાં પોતાના મંત્રી, સેનાપતિ કે ગુપ્તચરોથી પ્રજાના હાલ જાણવા કરતાં જાતે જાણવા જોઈએ.

એ જાણતા હતા કે મંત્રી માણસ છે: કોઈ વાર આઘું-પાછું કહે.

એ જાણતા હતા કે સેનાપતિ પણ આખરે કાળા માથાનું માનવી છે : કોઈ વાર લોભ-લાલચ કામ કરી જાય.

શાસ્ત્રમાં કહ્યું છે કે રાજાએ સકર્ણ થવું જોઈએ; મોટે ભાગે રાજાઓ અકર્ણ-કાચા કાનના-હોય છે. એટલે પોતાના અનુચરોની વાતો ભલે સાંભળવી, પણ પ્રજાની હાલત તો સગી આંખે જોવી; એની વાત સગા કાને સાંભળવી.

કારણ કે ઘણા ઉત્સાદ લોકો રાજાની આંખે પાટા બાંધવામાં હોશિયાર હોય છે : કોઈ વાર કચેરીમાં કાચ હીરાના ભાવે વેચાય છે, તો કોઈ વાર હીરો કાચના ભાવે જાય છે.

માટે રાજાએ સાચું - ખોટું પારખવું જોઈએ, જાતે ઝવેરી થવું જોઈએ. આ માટે મહારાજ રોજ રાતે વેશપલટો કરીને બહાર નીકળતા, અને ગલીએ-ગલીએ, શેરીએ-શેરીએ, તળાવની પાળે, બગીચાઓમાં ફરતા, લોકોની હાલત જોતા. લોકોની વાતો સાંભળતા.

આજે ફરતા-ફરતા તેઓ કર્ણમેરુપ્રાસાદમાં આવ્યા. એમણે જોયું તો ત્યાં નાટક ચાલે છે. ભારે ભીડ જામી છે.

નાટક બરાબર રંગમાં છે. લોકો તાળીઓ પર તાળીઓ પાડે છે !

પ્રેક્ષકો એકધ્યાનથી જોઈ રહ્યા છે. પ્રેક્ષકો ભેગા મહારાજ ભળી ગયા; ઊભા-ઊભા જોવા લાગ્યા.

ચના જોર ગરમ ᠅ ૧૧૯