પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોતાં-જોતાં વિચારવા લાગ્યા કે, વાહ ! મારી પ્રજા કેવો આનંદ લઈ રહી છે ! આ રીતે જ આખા દ્હાડા થાક અને કંટાળો દૂર થાય. અને નાટક પણ કેવું સુંદર છે ! એની ભાષા પણ કેવી મધુર છે ! એના ભાવ પણ કેવા તેજસ્વી છે ! આવા નાટકથી જ પ્રજા ઘડાય.

અને ભજવનારા પણ મન, વચન અને શરીરને એક્તાર કરી લેવો ખેલ ભજવી રહ્યા છે ! ઘડીમાં ધારે ત્યારે લોકોને હસાવે છે, ધારે ત્યારે રોવરાવે છે ! ધારે તે રસ જમાવે છે !

નાટકો અજ્ઞાની-જ્ઞાની બંનેને ઘડે છે, અસર કરે છે. માર્ગ ચૂકેલા ઘણા જ્ઞાની નાટક જોતાં-જોતાં સાચા રસ્તે વળ્યા છે. એટલા માટે તો નાટકને પાંચમો વેદ કહ્યો છે. આ વેદ બરાબર જળવાય એ માટે મારે ધ્યાન આપવું જોઈએ. મતલબી લોકે એને બગાડે નહિ, એની સંભાળ રાખવી જોઈએ.

મારા રાજમાં મારે આ વાતને ઉત્તેજન આપવું ઘટે. કવિઓને ઇનામ આપવું ઘટે. ભજવૈયાની પૈસાની ભીડ ભાંગે ને નિરાંતે નિર્દોષ રીતે લોનું મનોરંજન કરે, એમ કરવું ઘટે. પૈસાની તાણ એમનું કામ બગાડે. પૈસાનો લોભ કદાચ એમના મનને બગાડે, નાટકને બગાડે, ભાવનાને બગાડે ! આમ થવું ન જોઈએ.

મહારાજા ઊભા-ઊભા આવા વિચાર કરી રહ્યા છે, ત્યાં એમના ખભા પર કોઈએ હાથ મૂકીને કહ્યું : 'કેમ છે, યાર ?'

મહારાજે પાછી નજર કરીને જોયું. ભીડ ઘણી વધી હતી, ને પાછળથી દબાણ થતું હતું.

'કોણ છો તમે ?' મહારાજે પૂછયું.

'ન ઓળખ્યો મને ? અરે, પાટણમાં રહો છો કે જંગલમાં ? યાર ! પરદેશી લાગો છો. ચના જોર ગરમ ! પાટણનાં સ્ત્રી, બાળક અને પુરુષ તમામ મને ઓળખે છે. મારા ચણા તો મોટા મોટા શેઠશાહુકાર ખાય છે. બેટ પીરમના બાદશાહ અને દખ્ખણના રાવરાજા પણ હાથી પર માણસ મોક્લી મારા ચણા મંગાવે છે. અરે, રાજાની રાણીઓ પણ લાખ-લાખ રૂપિયાની દાસીઓને મારે ઘેર ચણા લેવા મોક્ષે છે. શું રૂપ ! શું રૂપ ! પણ મારે તો રૂપિયા સામે જોવાનું, મારા મહેરબાન ! એક વાર ખાઈ જાઓ તો જિંદગી સુધી દાઢમાં સવાદ ન રહી જાય તો મને કહેજો !'

૧૨૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ